એક ગધેડા અને શિયાળની વાત બધા જાણે છે. એક ચાંદની રાતમાં આ બે મિત્રો એક ખેતરમાં ઘુસ્યા. પાક તૈયાર હતો. બેઉ જણાએ ધરાઈને ખાધો. પછી ગધેડો હરખમાં આવી ગયો અને શિયાળને કહ્યું કે હવે હું થોડું ગાવા માંડું. શિયાળે કયું કે અત્યારે નહિ, પણ ગધેડો તો હઠે ચડ્યો અને કહે કે ના, હું તો ગાઇશ ! શિયાળે કહ્યું કે તો ભલે , હું જરા ખેતરની બહાર નીકળી જાઉં , પછી તારે ગાવું હોય તેટલું ગા. શિયાળ બહાર નીકળી ગયું અને ગધેડાએ એનું ગાયન શરુ કર્યું - હોં ...ચી, હોં ...ચી. અવાજ સાંભળીને ખેતરનો માલિક દોડતો આવ્યો અને દંડાથી ગધેડાને એવો પીટ્યો, એવો પીટ્યો કે તે અધમૂઓ થઈ ગયો. ખેતરની બહાર આવતાં જ પેલા શિયાળે કહ્યું કે મેં તને ગાવાનું ના કહ્યું હતું, પણ તું માન્યો જ નહિ. લે હવે ગાવાનુ ફળ ભોગવ.
આ વાત ભલે ગધેડા અને શિયાળની હોય, પણ એ આપણા જેવા સૌ સામાન્ય મનુષ્યોને લાગુ પડે છે. જીવનમાં પૂર્વ કર્મના ઉદય પ્રમાણે સુખ પણ આવે અને દુ:ખ પણ આવે. સંતો કહે છે કે આવે વખતે સમતા ભાવ રાખીને એ ભોગવી લે. તે વખતે તું ગાવાનું છોડી દે. આપણે તો સુખ વખતે હરખ પદુડા થઈ જઈએ છીએ અને હાહા..હીહી કરીએ છીએ. દુ:ખ વખતે ભાંગી પડીએ છીએ અને હાયવોય કરીએ છીએ. આ બેઉ પ્રકારનું ગાવાનું , હે જીવ ! તું છોડી દે અને સમતા ભાવ રાખીને એ સુખ-દુ:ખ ભોગવી લે એમ સંતો આપણને વારંવાર કહે છે, પણ તે વખતે આ શિખામણને ઉલંઘીને આપણે કહીએ છીએ કે ના, હું તો ગાઈશ અને પછી નવાં કરમ બાંધીને એ કરમનો દંડો પડે છે ત્યારે પસ્તાઈએ છીએ !
હવેથી આપણે આ ગધેડા જેવું તો નહી કરીએ ને ?
Thursday, March 08, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment