Friday, December 22, 2006

સત્ય અને અસત્ય

એક ફ્રેંચ લોકકથા છે : સત્ય અને અસત્ય નામે બે બહેનો હતી. એક દિવસે એ બંને બહેનો નદીએ નાહવા ગઈ. કપડાં ઊતારીને તેઓ નદીમાં નાહવા લાગી.
થોડી વારમાં અસત્ય બહાર નીકળી અને સત્યના કપડાં પહેરવા લાગી.
સત્ય તો હજી નાહતી જ હતી, પણ એનું ધ્યાન અસત્ય પર પડતાં તે બોલી ઉઠી , `` અરે, અસત્ય ! તું મારા કપડાં કયાં પહેરે છે ?"
પણ અસત્ય શાની સાંભળે ? એ તો કપડાં પહેરીને ત્યાંથી પલાયન થઈ ગઈ !

સત્ય બાપડી પાણીમાંથી જલદી જલદી બહાર આવી, પણ હવે શું થાય ? તેને અસત્યના કપડાં પહેરવા પડ્યા !

ત્યારથી આ દુનિયામાં આપણે જોઈએ છીએ કે માણસમાં સત્યાસત્ય પારખવાનો વિવેક ન હોય તો સત્યના વાઘા પહેરીને ફરતા અસત્યને તે સત્ય માની લે છે અને અસત્યના પોશાકમાં રહેલા ખરા સત્યને તે ઓળખી શકતો નથી !

Wednesday, December 20, 2006

સંતવચનનો પ્રભાવ

શાકંભરી નગરીમાં ધનાશાહ નામે શ્રાવક રહેતા હતા.નામ ધનાશાહ પરંતુ ધનનું તો નામનિશાન ન મળે. તેમની સ્ત્રી રેંટિયા કાંતે , સૂતર કાઢે અને ધનાશાહ તેનું કાપડ વણાવી વેચે. આમ પોતાનું ગુજરાન ચલાવતા, એક વખત ધનાશાહે પોતાના માટે જ સૂતર કંતાવી તેમાંથી ચોફાળ વણાવ્યો, જેથી શિયાળામાં ઓઢવા કામ આવે.
એક દિવસ શાકંભરી નગરીમાં મહાર આ જ આ કુમારપાળના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય પધાર્યા . એમને મન તો શ્રીમંત અને રંક સૌ સમાન હતા . આવા મહાન આચાર્યને પોતાને ત્યાં પધારેલ જોઈ ધનાશાહને ખૂબ ભાવ આવ્યો, એટલે તેણે સૂઝતો આહાર વહોરાવ્યો અને પેલો ચોફાળ પણ વહોરાવી દીધો. શ્રી હેમચંદ્રાચાર્યે તેને ગ્રહણ કર્યો.
કેટલાક દિવસે શ્રી હેમચંદ્રાચાર્ય પાટણ પધાર્યા, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. સામમૈયામાં મહારજ પોતે પણ સામેલ હતા. શ્રી હેમચંદ્રચાર્યનો ચોફાળ જોઈ રાજાએ કહ્યું , "ભગવાન ! આપ તો મારા ગુરુ ગણાવ . તમે આવા જાડા ચોફાળ જેવાં કપડાં પહેરો તે જોઈને મને શરમ આવે છે." હેમચંદ્રાચાર્યે જવાબ આપ્યો, "તમે રાજા છો, પણ તમારા જ સાધર્મિક ગરીબ હાલતમાં રહે છે. અમને મુનિઓને શું? અમને તો અલ્પ મૂલ્યવાન અને જીર્ણ વસ્ત્ર જ શોભે."
આ ઊપદેશની એવી અસર થઈ કે કુમારપાળે સાધર્મિક વાત્સલ્ય પાછળ દર વર્ષે 1 કરોડ સોનામહોર ખર્ચવાનો નિર્ણય કર્યો. આ રીતે 14 વર્ષ સુધી 14 કરોડ સોનામહોરનો સદ્વ્યય કર્યો. ઈતિહાસમાં કુમારપાળે સાધર્મિક વાત્સલ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
ઊપદેશ કરતાં આચરણની અસર ત્વરિત થાય છે.

Tuesday, December 19, 2006

પ્રભુપ્રાપ્તિનો માર્ગ

છત્રપતિ વીર શિવાજીએ પોતાના ગુરુ સિધ્ધ મહાત્મા સ્વામી રામદાસને કહ્યું, “ગુરુદેવ , આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કરેલો છે અને હવે આપના આશ્રમમાં આપ દિનરાત ઘણા કલાકો ધ્યાનમગ્ન રહીને પ્રભુના સંપર્કમાં રહી શકો છો. પણ આપ જાણો છો કે મારે યવનો સામે ધર્મ,સંસ્ક્રુતિ તથા માતૃભૂમિના રક્ષણ કાજે સતત કાર્યશીલ રહેવું પડે છે.મને તો પ્રભુનું ધ્યાન કરવા માટે સમય પણ રહેતો નથી. તો શું હું આ જન્મમાં પ્રભુના સાક્ષાત દર્શન નહિ કરી શકું ? “

સમર્થ સ્વામી રામદાસે જવાબ આપ્યો, “બેટા શ્રીરામ તો હાલમાં પણ હાજરાહજૂર છે. એમના પ્રત્યે અખૂટ પ્રેમ ને શ્રધ્ધા જોઈએ. બેટા સદા ખાતેપીતે જપો રામનામ. જ્યારે કોઈ વસ્તુ તું ખાવા માંડે કે કોઈ વસ્તું તુ પીવા માંડે ત્યારે , ઈષ્ટદેવ શ્રીરામના નામનું રટણ કરવા લાગ. આમ કરવાથી તારા ખાનપાન ચમત્કારિક રીતે સાત્વિક બની જશે. આવા ખાનપાનથી તારા લોહીનું રૂપાંતર તહી જશે. લોહીમાં સાત્વિકતા આવી એટલે તારં ચિત્ત દિવ્ય બની જશે. ચિત્ત જ્યારે દિવ્ય બની જશે ત્યારે તને ખુલ્લી આંખે શ્રીરામના અવશ્ય દર્શન થશે. પ્રભુપ્રાપ્તિનો આ સરળ ઉપાય છે.

બધાને પુણ્યનું ફળ ભોગવવું છે,
પણ પુણ્ય કરવું નથી. પાપના ફળથી બચવું છે,
પણ પાપ તો કરવું છે. એ કેવું?

Friday, December 15, 2006

બીજાની ભૂલને ભૂલતાં શીખો

ડૉક્ટર હોરી લીકનન અમેરિકન માનસશાસ્ત્રી. તેમની પાસે એક મહિલા દર્દી ફરીયાદ લઈને આવી કે મારા પતિની હું ખૂબ સેવા કરું છું અને પતિને પરમેશ્વર તરીકે ગણું છું, છતાં પતિને મારા પ્રત્યે કોઈ લાગણી નથી.
ડૉક્ટરે પૂછરપરછ કરી જાણી લિધું કે પતિ કોઈ વ્યસની કે આઊટલાઈનનો નથી,તે સદગ્રુહસ્થ જેવો લાગે છે, તેથી તેણે તારણ કાઢ્યું કે પત્નીના વર્તનમાં -વાણીમાં ક્યાંક ખામી હશે.
તેમણે પૂછ્યું ,"તમારા પતિથી ક્યારેક ભૂલ થઈ જાય ત્યારે તમે કેવો પ્રત્યાઘાત આપો છો ?" તેણે કહ્યું, " આ તો હું છું તે તને નભાવી લઉં છું, બીજુ કોઈ આવું ન ચલાવે."
ડૉક્ટર : બહેન, તમારું બાકીનું બધું વર્તન બરાબર છે, માત્ર સુધારો એટલો કરવાનો કે તમારા પતિથી ભૂલ થાય ત્યારે 'હશે કોએ વાંધો નહી . માણસ માત્ર ભૂલને પાત્ર' એમ બોલવું ને તમારી ભૂલ થાય ત્યારે ' આ તો તમે છો તે મને નભાવી લો છો બીજો કોઈ હોત તો મને ક્યારની કાઢી મૂકી હોત ' આવું બોલજો. મહિના પછી મળજો."
પેલી બાઈએ આ પ્રયોગ ચાલુ કર્યો અને એક સપ્તાહમાં એનુ આશ્ચર્યજનક પરિણામ આવવા માંડ્યું.ડોકટર પાસે આવી તેણે
હર્ષથી કહ્યું, " સાહેબ તમારી સલાહથી મારા પતિનું વર્તન મારા પ્રત્યે અત્યંત લાગણીસભર બની ગયું.
બીજાની ભૂલ કાઢવાની કુટેવો છોડવા જેવી છે. જો ભૂલ કરનાર પ્રત્યે આત્મીયતા હશે તો ભૂલ ભૂલી શકાશે.

Thursday, December 14, 2006

જીવનની ઉન્નતિના બાર મહામંત્રો

1 પોતાનું કાર્ય સાચી સમજણપુર્વક,સત્યનિષ્ઠાથી કરો.
2 આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો; જેથી જાવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે.
3 જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન હલ થઈ જશે.
4 સંપત્તિનું જતન કરો છે તેટલું જ જતન સંસ્કારિત બનાવવા માટે કરજો.
5 ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો.
6 સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો.
7 તમારે વાણી ધીમી,સાચી,મીઠી,ખપપૂરતી અને આદર દેવાવાળી રાખજો.
8 જીવનમાં પ્રભુ પર અતુટ વિશ્વાસ રાખો.તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો.
9 ઉત્તમ અને અધિક્રુત ગ્રંથોનું વારંવાર નિયમિત વાંચન કરો.
10 શ્રધ્ધા , ધીરજ અને ખંતને કાર્યની સફળતા માટે પાયારૂપે સ્વીકાર કરો.
11 ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો.
12 પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરો,જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે.

Wednesday, December 13, 2006

ના , મારો આત્મા ડંખે

મેડીકલ કોલેજના વિધ્યાર્થીઓને પ્રોફેસર પ્રેક્ટીકલમાં અમુક દરદીઓને તપાસી જઈને પછીના ક્લાસમાં એનો રીપોર્ટ આપવાનું કહે છે. બધા વિધ્યાર્થીઓ હા પાડે અને પ્રોફેસર પૂછે ત્યારે કહે કે તમે કહ્યા એટલા બધા દર્દીઓ અમે તપાસી લીધા,
આવા એક ક્લાસમાં અમુક સંખ્યાના દર્દીઓને તપાસવા પ્રોફેસરે કહ્યુ. પાછળથી વિધ્યાર્થીઓએ અંદર અંદર ચર્ચા કરી કે આટલા બધા દર્દીઓને એકીસાથે થોડા તપાસાય ? પણ પછી બધાએ નક્કી કર્યુ કે ભલેને થોડા દરદીઓ તપાસાય. પ્રોફેસરને એમ કહેવામાં શો વાંધો છે કે અમે તો બધા દરદીઓ તપાસી લીધા. પ્રોફેસર થોડા જોવા આવવાના છે ! પણ આમાં એક વિધ્યાર્થીએ કહ્યું કે તમે બધા ભલે એમ કહો , મારાથી એવું નહિ કહેવાય, મારો આત્મા મને ડંખે, મેં તો જેટલા દરદી તપાસ્યા હશે તેટલા જ કહીશ. પ્રોફેસરને જે શિક્ષા કરવી હોય તે કરે. અને ખરેખર , આ વિધ્યાર્થીએ પ્રોફેસરને એ પ્રમાણે જ કહ્યુ. પ્રોફેસરે પણ આ વિધ્યાર્થીના સત્યવક્તાપણાની કદર કરી .
આ વિધ્યાર્થી હતા ડો. મુકુંદ સોનેજી - અત્યારે પૂજ્ય આત્માનંદજીને નામે આપણે જેને ઓળખીએ છીએ તે.
પુત્રના લક્ષણ પારણામાંથી એ કહેવત ખરેખર અનુભવો ઊપરથી જ પડી હશે ને !

Tuesday, December 12, 2006

નુતન વર્ષનો સંદેશ

જીવનને સફળ , શાંતિપૂર્ણ અને ખરેખરું મજેદાર બનાવવા માટેના થોડાક અનુભૂત કીમિયા અહીં જ ટપકાવી દઊં છું
1 માબાપ , વડીલો , વિદ્વાનો અને સંતોનું હંમેશા બહુમાન અને વિનય કરજે અને સ્વમાન તો સૌ કોઈનું જાળવજે
2 સોબત વિષે ખાસ કાળજી રાખજે. ખાનદાન અને ઊમદા આચાર વિચાર વાળાઓની જ કંપની રાખજે.
3 ઘરમાં , સંસ્થા માં , કે સમાજમાં સૌની સાથે પ્રેમથી રહેજે. નાના મોટાનો ભેદ કર્યા વિના સૌને યોગ્ય સગવડ , સન્માન , હૂંફ , ફરજની સોંપણી અને હક્ક મળે તેવું આયોજન અને પ્રવર્તન કરજે.
4 ઘસાઈને રાજી થજે, કારણકે જીવન વિકાસનો મૂળ-મંત્ર આ જ છે. જો કે પાયાના પત્થર બનીને રહેવું, સહન કરવાની ટેવ પાડી તેને વળગી રહેવું એ કઠિન કાર્ય છે પણ સફળતાના ઉંચા શિખરો તે વિના સર કરી શકાતા નથી. દુનિયા જેને દુ:ખ ગણે છે તે ખરેખર દુ:ખરૂપ નથી, માત્ર પ્રસૂતિ પહેલાની પીડા કે સિધ્ધિની પ્રાપ્તિ પહેલાના તપ જેવું છે.
5 જિંદગીની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે. એક મિનિટ પણ નકામી ન જાય અને તારા જીવનના ધ્યેય ની દિશામાં કંઈક પ્રગતિ થતી રહે તેનું ખાસ ધ્યાન રાખજે. આ માટે ઘણાં વર્ષો સુધી રોજનીશી કે ડાયરી લખવાથી થતા ફાયદાનો લેખકને અનુભવ છે. છેલ્લા લગભગ ત્રેવીસ વર્ષથી તો જીવન જ ખુલ્લી કિતાબ બની ગયું છે અને તેથી તે લખાતી નથી તો પણ તે (સમય) ના હિસાબનું ચિંતન તો કર્યા જ કરુ છું.
6 સારા પુસ્તકોનો શોખ : તારા ઘરમાં ઉત્તમ પુસતકો વસાવજે. બીજા પુસ્તકો મધ્યે, મહાપુરુષોના ચારિત્રો ધ્યાનપૂર્વક વાંચજે અને વિચારજે, તો જરૂર તને ઉન્નત જીવન જીવવાનું ખુબ જ બળ મળ શે . જ્યારે ત્વરાથી જીવનવિકાસ કરવાનો નિર્ણય કરે ત્યારે, કોઈ સાચા સંતના કે અનુભવીના આશ્રયે પધ્ધતિસરનું વાંચન કરી તારા હ્રદયના જ્ઞાન ભંડારને સમ્રુધ્ધ કરજે .
7 મન-વચન-કાયાથી નિયમિત બનજે. મનમાં પોતાના અને સૌના કલ્યાણના વિચારોને જ સ્થાન આપજે . આમ કરવાથી તારી વાણી પણ સૌમ્ય , સાચી, શ્રેયસ્કર અને સાંભળના રને શીતળ કરનારી બનશે . નિયમિત પ્રવ્રુતિ તને જીવનના દરેક ક્ષેત્રમાં મહાન બનાવશે, બધા કામ સમયસર પૂર્ણ કરી શકીશ, કાર્યક્ષમતા ખૂબ વધી જશે , સહજપણે સુયશ ફેલાશે અને જિંદગીની ગાડી સફળતાની દિશામાં જલ્દી જલ્દી દોડવા લાગશે.
8 આશાવાદી અભિગમ : દ અરેક કાર્ય પોતાની શક્તિ , સાધન અને પ્રયોજનને લક્ષમાં રાખીને ચાલું કરવુ. એક વાર જેનો પ્રારંભ કર્યો તે કાર્યમાં પ્રારંભમાં અનેક મુશ્કેલીઓ આવે તો પણ ધીરજ અને ખંત રાખીને તેમાં લાગ્યા રહેવું અને અન્યનો સહયોગ લેવામાં પણ સંકોચ અનુભવવો નહી. થાક , કંટાળો , વિરોધ , ટાંચા સાધનો અને સમયસર સફળતા ન મળે તો પણ પ્રામાણિક વ્યવસ્થિત ઉધ્યમથી કાર્યની યથાપદવી સિધ્ધિ થઈ જાય છે.
9 વ્યસનરહિતપણું : જેના જીવનમાં મોટા વ્યસન હોય તે પરાધીન , વ્યગ્ર , ચંચળ ચિત્તવાળો , નાદુરસ્ત , ખર્ચાળ અને ચીડિયા સ્વભાવવાળો બની જાય છે. માટે પ્રયત્ને કરીને પણ દારૂ , જુગાર , માંસાહાર , શિકાર , ચોરી કે વિષયલંપટતા જેવા ભયંકર દુર્ગૂણો પોતાના જીવનમાં ન પેસી જાય તેની સતત કાળજી રાખજે.
10 ઠંડુ અને સ્વસ્થ દિમાગ : આવેશમાં આવી જવાથી એક જાતનું ગાંડપણ આપણા પર સવાર થઈ જાય છે. વાણી કે વર્તનનો ખ્યાલ રહેતો નથી અને અયોગ્ય કાર્ય થઈ જવાથી પોતાને અને અન્યને નુકસાન થઈ જાય છે. આવા મનુષ્યની મિત્રતા કોઈ કરતું નથી. તે એકલો અટુલો પડી જાય છે અને પ્રસન્નતા નો નાશ થઈ જવાથી તે પોતાના કાર્યોમાં સફળ બની શકતો નથી.
મનની અને તનની તંદુરસ્તી માટે શવાસન (Relaxation) એક ઉત્તમ , સરળ , સર્વસુલભ અને પ્રયોગસિધ્ધ ઉપાય છે. સવાર - સાંજ પાંચ - પાંચ મિનિટના પ્રયોગથી અનેક લાભ થાય છે.

પૂજ્ય શ્રી આત્માનંદજી

Wednesday, December 06, 2006

ભાગ 1

જગતમાં આદરવા યોગ્ય શું છે?
સદગુરુનું વચન

શીઘ્ર કરવા યોગ્ય શું છે?
કર્મનો નિગ્રહ

મોક્ષતરુનું બીજ શું છે?
ક્રિયાસહિત સમ્યગ્જ્ઞાન

સદા ત્યાગવા યોગ્ય શું છે?
અકાર્ય કામ

સદા પવિત્ર કોણ ?
જેનું અંત:કરણ પાપરહિત હોય તે.

સદા યૌવનવંત કોણ ?
ઈચ્છાઓ

શૂરવીર કોણ ?
જે સ્ત્રીના કટાક્ષથી વિંધાય નહી તે.

મહત્તાનું મૂલ શું?
કોઈની પાસે પ્રાર્થના (યાચના ) ન કરવી તે.

સદા જાગ્રુત કોણ ?
વિવેકી

આ જગતમાં નરક જેવું દુ:ખ શું?
પરતંત્ર રહેવું તે

અસ્થિર વસ્તુ શું ?
યૌવન , લક્ષ્મી અને આયુષ્ય

આ જગતમાં અતિગહન શું છે?
સ્ત્રી ચરિત્ર અને ( તેથી ) વધારે પુરુષ ચરિત્ર

ચંદ્રમાના કિરણો સમાન શ્વેત કીર્તિને ધારણ કરનાર કોણ ?
સુમતિ અને સજ્જન

જેને ચોર પણ લઈ જઈ શકે નહીં તેવો ખજાનો શું?
વિઘ્યા , સત્ય અને શીયળવ્રત

જીવનું સદા અનર્થ કરનાર કોણ ?
આર્ત અને રૌદ્ર ધ્યાન

અંધ કોણ ?
કામી અને રાગી

બહેરો કોણ ?
જે હિતકારી વચનને સાંભળે નહી તે

મૂંગો કોણ ?
જે અવસર આવ્યે પ્રિય વચન ન બોલી શકે તે

શલ્યને પેઠે સદા દુ:ખ દેનાર કોણ ?
છાનું કરેલું કામ

અવિશ્વાસ કરવા યોગ્ય કોણ ?
યુવતી અને અસજ્જન

સદા ધ્યાનમાં રાખવા યોગ્ય શું?
સંસારની અસારતા

સદા પૂજનીય કોણ ?
વીતરાગદેવ, સુસાધુ અને સુધર્મ