Friday, October 26, 2007

રીટાયરમેંટ

સામાન્ય રીતે આ જમાનામાં, સરકાર કે અન્ય સંસ્થાઓ 58 વર્ષે આપણને નોકરેમાંથી છૂટા કરે છે અને તમે નિવ્રુત જીવન ગાળો એમ સૂચિત કરે છે।

જે મનુષ્યે ઉપરોક્ત હકીકતનો પહેલેથી વિચાર કર્યો હોય તે ખરો સમજુ કહેવાય।દીકરા-દીકરીના લગ્નની , છોકરાને લાઇનસર કરવાની કે પરીક્ષામાં સારા માર્કસ લાવવાની આગળથી તૈયારી કરીએ છીએ તેમ, નિવૃત્તિની પણ આગળથી તૈયારી કરવી જોઈએ. જો માનસિક રીતે તે માટે તૈયાર ન થયા હોઈએ, નિવૃત્તિમાં સમયનો કેવી રીતે સદુપયોગ કરીશું તેની યોજના ન કરી હોય તો જીવનમાં ખાલીપો લાગે, મૂંઝવણ થાય અને માનસિક અસંતોષ જન્મે ; જેમાંથી પોતાને ડીપ્રેશનનો અને કુટુંબીજનોને કલેશનો ભોગ બનવું પડે.

નિવૃત્તિ પછી ઠીક આવક હોય તો કમાવાની તૃષ્ણાનું નિયમન કરી પરોપકારની પ્રવૃત્તિ અને આત્મકલ્યાણ માટે સત્સંગ-ભક્તિ-તિર્થયાત્રા આદિમાં જોડાવું અને કુટુંબને જરૂરિયાત અનુસાર ઉપયોગી થવું। વિચારવાન -વિવેકી તો 35 વર્ષની ઉંમર થાય ત્યારથી જ થોડું સારૂ વાંચન , અવારનવાર સત્સંગ, મંદેર , તીર્થ કે ધર્મસ્થાનકની સેવા વગેરેમાં પ્રસંગોપાત રસ લઈ ધર્મરુચિ કેળવતો થઈ જાય છે અને નિવૃત્તિ મળતાં , સાધનામાં પદ્ધતિસર અને ચીવટથી વિશેષપણે લાગી જાય છે.

ભારતીય જીવનપદ્ધતિનું અંતિમ લક્ષ પરમાત્મદર્શન દ્વારા સાચી શાંતિ , દિવ્યજ્ઞાન અને છેવટે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરવી તે છે; માટે જ મહર્ષિઓએ સામાન્ય મનુષ્યને માટે ચાર આશ્રમોની વ્યવસ્થા કહી છે ; જેનાથી ક્રમશ: દિવ્ય જીવનનો વિકાસ થઈ શકે છે। મૃત્યુ આપણું અસ્તિત્વ મટાડી શકતું નથી; કારણકે આપણે અજર , અમર, આનંદધન અને દિવ્યજ્યોતિ સ્વરૂપ છીએ. આવા અચિંત્ય માહાત્મ્યવાળા આપણા સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરીને આપણે મૃત્યુંજયી બનીએ.

ઉપસંહારમાં એમ કહી શકાય કે જો આપણે આ ઉંમરમાં , દુન્યવી ફરજોને ગૌણ કરીએ, યથાશક્તિ સંસ્થા , સમાજ અને રાષ્ટ્ર તરફના ઋણને અનાસક્ત ભાવે અદા કરીએ અને દેહદેવળમાં બિરાજમાન પર્માત્માના દર્શન કરવા માટે સત્સંગ -સદ્ગુણપ્રાપ્તિ અને સદવિચારોને જીવનમાં અગ્રિમતા આપીએ તો મનુષ્યભવ સફળ થાય અને સાચા અર્થમાં Retirement કાયમી બને। યથા -

યદ્ગત્વા ન નિવર્તંતે તદ્વામ પરમં મમ

Monday, October 15, 2007

મનના આરોગ્યની જાળવણી

(અમેરિકામાં થયેલા એક અભ્યાસપૂર્ણ પ્રયોગના તારણરૂપે)
લાગણીઓની સ્થિરતા। (Emotional Stability)


ચારિત્રની પરિપક્વતા ( Maturity of character )

જીવન દરમ્યાન આવી પડતા ઘાતક તનાવોમાંથી ઝટ સહી સલામત નીકળી જવાની શક્તિ।

પરિસ્થિતિનું સાચુ મૂલ્યાંકન કરવાની શક્તિ.

અગમચેતીવાળી તથા ભવિષ્યમાં દૂર સુધી જોઇ શકે તેવી દ્રષ્ટિ।

આજુબાજુના માણસો પ્રત્યે પ્રેમભાવ દાખવવાની તથા તેમની સાથે હાર્દિક સંબંધ જાળવી રાખવાની શક્તિ.

ખુશમિજાજ રહીને ઉત્પાદક શ્રમ કર્યે જવાનો જુસ્સો।

ભુખ , તરસ તથા કામભોગના ઉછાળાને , પોતાની જાતને તથા બીજાને નુકસાન ન થાય તે રીતે સંતોષવાની શક્તિ.

અંતરાત્માનો અસરકારક અવાજ

આવી કેળવણી લઈને મનની શાંતી પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરીએ.

Thursday, October 04, 2007

જિંદગીનો વીમો

આ યુવાન આજથી ત્રણેક વર્ષ પહેલાં મને મળેલો।


ત્યારે એ બી।એ। ના છેલ્લા વર્ષમાં હતો


ગઈ કાલે એ ફરી મળ્યો ત્યારે વીમો ઉતરાવી પાછો ફરતો હતો। મે સહજ પૂછ્યું , ``ઉંમર તો નાની છે । અત્યારથી શું કામ ઉતરાવ્યો ?"


એ કહે ``જિંદગીનો શું ભરોસો ? કાચ જેવી આ કાયા ! કંઇક થાય તો મારી પત્નીને એ કામ તો લાગે"



મારાથી પુછાઇ ગયું , `` તો સાથે પ્રભુનું નિત્યસ્મરણ , દાન આદિ ધર્મક્રિયા પણ કરતા જ હશો !"
મારો પ્રશ્ન સાંભળી એ જરાક ઊંચે સાદે બોલ્યો , `` આ કેવી વાત ! આ ઉંમર તે કંઈ આવું બધું કરવા માટે છે ? એ માટે હજુ ઘણાય વર્ષો આગળ છે."


આ ઉત્તરથી મને હસવું તો આવ્યુ, પણ ચૂપ રહ્યો.

Thursday, September 27, 2007

ગાંધીજીનો સમતા - વ્યવહાર

ગાંધીજી આફ્રિકાની જેલમાં હતા તે દિવસોની વાત છે। તે વખતે જેલમાં તેમની ઉપર દેખરેખ રાખવા માટે આફ્રિકાની ઝૂલુ જાતિના એક ખૂંખાર દુર્વ્યવહારી માણસની નિમણૂક કરવામાં આવી હતી। ગાંધીજી તો સહિષ્ણુતા અને સમાનતાના મહાન સાધક હતા।તેથી આ માણસના તમામ ખરાબ વ્યવહારોને તેઓ અમ્રુત માનીને પી જતા અને કદી મોઢું કટાણું કરતા નહી।

એક દિવસ આ માણસને અત્યંત ઝેરી સાપ કરડ્યો। તે માણસ ભયંકર પીડાને લીધે છટપટવા લાગ્યો। તેને જે વેદના થતી હતી તે ગાંધીજી જોઈ શક્યા નહિ। તેમણે એક ચપ્પુ વડે સાપના ડંખની જગ્યાએ કાપી નાખી અને મોં વડે ઝેર ચૂસી ચૂસીને બહાર ફેંકી દીધું।ત્યાર બાદ વનસ્પતિ ઔષધના લેપની પટ્ટી પણ ડંખની જગ્યાએ મારી દીધી। આથી તે માણસને થોડાક જ વખતમાં આરામ જણાવા લાગ્યો અને તે સાજો થઈ ગયો। ગાંધીજીના આવા સમતાપૂર્ણ વ્યવહારથી પેલા માણસનું ખરાબ અને ખૂંખાર વર્તન કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ ગયું અને ત્યાર બાદ તે માણસ ગાંધીજીનો વિનમ્ર સેવક અને મિત્ર બની ગયો।


સમતા-વ્યવહારમાં એવી શક્તિ હોય છે કે તે દુર્જનમાં દુર્જન વ્યક્તિના દુર્વ્યવહાર અને ક્રુરતાને ગાયબ કરી નાખે છે।

Wednesday, September 26, 2007

મિચ્છામી દુક્કડમ


આપ સર્વે ને મારા તરફથી મિચ્છામી દુક્કડમ


મિચ્છામી દુક્કડમ

વેપારીનો ધર્મ

શ્રીમદ રાજચંદ્ર મુંબઈમાં હીરામોતીનો વેપાર કરતા હતા. બધા વેપારીઓમાં તેઓ સૌથી વિશેષ વિશ્વાસપાત્ર વેપારી તરીકે જાણીતા થયા હતા.

એક આરબ વેપારી પોતાના નાના ભાઈ સાથે મુંબઈમાં મોતીની આડતનો વેપાર કરતો હતો।
એક દિવસ ના ભાઈને વિચાર આવ્યો કે આજે આપણે પણ મોટા ભાઈની પેઠે મોતીનો વેપાર કરીએ। તેથી જે માલ પરદેશથી આવેલો એ લઈને તે બજારમાં ગયો।

ત્યાં એક દલાલને તેણે કહ્યું , " કોઈ સારા પ્રમાણિક શેઠ મને બતાવ ।"

દલાલ તેને શ્રીમદ રાજચંદ્રની દુકાને લઈ ગયો।

શ્રીમદ રાજચંદ્રએ બધો માલ બરોબર કસી જોયો અને તેની વાજબી કિંમત ગણી આપી।
પેલો નાનો ભાઈ નાણાં લઈને ખુશ થતો પોતાને ઘરે ગયો।

મોટા ભાઈ ઘરે આવ્યા એટલે તેણે વેપારની વાત કહી સંભળાવી।

મોટા ભાઈએ જોયું કે નાનો ભાઈ સોદો કરવામાં છ્તરાયો તો નથી। શ્રીમદ રાજચંદ્રએ બરોબર કિંમત આંકી આપી હતી।

પરંતુ વાત એમ હતી કે જે માણસનો એ માલ હતો એનો તે જ દિવસે કાગળ આવ્યો હતો। તેમાં તેણે તાકીદથી લખ્યું હતું કે અમુક કિંમત ઉપજ્યા વગર માલ વેચશો નહી। એ કિંમત ચાલુ બજારભાવ કરતાં ખૂબ વધારે હતી ! તે અકળાઈને બોલી ઊઠ્યો, ``અલ્યા , આ તેં શું કર્યું ? મારે તો દેવાળું જ કાઢવું પડશે !"


તે વેપારી હાંફળોફાંફળો શ્રીમદ રાજચંદ્ર પાસે દોડી ગયો। તેણે શ્રીમદ રાજચંદ્રને પેલા માણસનો કાગળ વંચાવીને કહ્યું, ``સાહેબ, મારા પર રહેમ કરો। નહી તો હું ગરીબ માણસ પાયમાલ થઈ જઈશ !"
બાજુમાં અકબંધ પડેલો માલ બતાવી શ્રીમદે કહ્યું , ``ભાઇ, તમારો માલ આ રહ્યો. તમે ખુશીથી લઈ જાઓ."
એમ કહીને શ્રીમદ રાજચંદ્રએ પેલા આરબને એનો માલ પાછો સોંપી દીધો અને નાણાં ગણી લીધા। જાણે કંઇ સોદો કર્યો જ નથી એમ ગણી, ઘણો નફો થવાનો હતો તે જતો કર્યો।

એ આરબ શ્રીમદ રાજચંદ્રને ખુદાના બંદા જેવા જ માનવા લાગ્યો।

Monday, September 24, 2007

તુકારામના મૌને ક્રોધીને નમાવ્યો.

સંત તુકારામના ભજનો સાંભળવા માટે એક માણસ રોજ આવે ખરો, પણ તે સંત તુકારામની પ્રસંશા કરવાને બદલે નિંદા જ કરે ! તુકારામની નિંદા કરવાની એક પણ તક તે જવા ન દે. એક દિવસ તો સંત તુકારામ સાથે ઝઘડવાનો તેને એક મોકો મળી ગયો. વાત એમ હતી કે તુકારામની ભેંસ ચરતી ચરતી આ માણસના વાડામાં પેસી ગઈ અને વાડામાં પડેલું થોડું ઘાસ ખાઈ ગઇ. બસ પછી તો પૂછવું જ શું ? પેલો માણસ કૂદી કૂદીને તુકારામને ગાળો ભાંડવા લાગ્યો, છતાં તુકારામ મૌન જ રહ્યા. તેમણે પેલા માણસને સામે એક પણ શબ્દ કહ્યો નહિ. તુકારામનું આવું મૌન વર્તન જોઇને પેલો માણસ વધુ ઉશ્કેરાયો અને વધુ જોરથી ગાળો ભાંડવા લાગ્યો. છેવટે તે તુકારામ પર એટલો બધો ગુસ્સે ભરાયો કે તુકારામની પીઠમાં બાવળની એક શૂળ જ ભોંકી દિધી. તુકારામે ક્શું બોલ્યા વિના હળવેથી શૂળ બહાર કાઢી, પણ એમ થતાં જ તેમની પીઠમાંથી લોહીના રગડા વહેવા લાગ્યા. સાંજ પડી, ભજન કીર્તનનો સમય થયો, સંત તુકારામ ભજન ગાવા બેઠા એ સમયે ભજન સાંભળવા રોજ આવનારા બધા જ હાજર હતા, પણ પેલો માણસ હાજર ન હતો. તરત જ તુકારામ ઊભા થઈને પેલાના ઘરે પહોંચ્યા અને બોલ્યા , "ભાઇ, મારી કંઇ ભૂલ હોય તો હું તારી માફી માંગુ છું, પણ મારી ભૂલને કારણે તું પ્રભુના ભજન ન સાંભળે એ તે ક્યાંનો ન્યાય ? ચાલ, ભજન સાંભળવા ચાલ ! મારા પરનો રોષ ઇશ્વર પર શા માટે ઠાલવે છે ?" તુકારામના આ શબ્દો સાંભળી પેલો ખૂબ શરમાયો. તે ભજનમાં આવ્યો.ભજન પૂરુ થયું એટલે તેણે તુકારામને કહ્યું , " મને માફ કરો. આપના જેવા અક્રોધી પર ક્રોધ કરીને મેં એક મોટું પાપ કર્યું છે, મને માફ કરો. મારા ક્રોધની મહિ, પરંતુ તમારા મૌન અને નમ્રતાની જીત થઈ

Monday, August 27, 2007

આનું નામ નીતિમત્તા

બંગાળમાં નીલમાધવ ચટ્ટોપાધ્યાય કરીને એક સજ્જન રહે.

તેમની એવી માન્યતા હતી કે જીવનના નાના-મોટા તમામ પ્રસંગોએ નીતિના ત્રાજવે જ માનવનું મૂલ્યાંકન થવું જોઈએ.

એક વાર એવુ બન્યું કે પોતાની જિન્દગીનો તેણે વીમો ઊતરાવ્યો.

ચાર - છ મહિના પછી કોણ જાણે કેમ , તેઓ એકાએક બિમાર પડી ગયા .

થોડાક ઘરગથ્થુ ઈલાજો કર્યા, પણ તબિયતમાં જોઈએ એવો કંઈ સુધારો ન થયો.
છેવટે , કો'ક નિષ્ણાત દાક્તરની સલાહ લીધી.

ઝીણવટભરી તપાસ કર્યા પછી તેમણે જે અભિપ્રાય વ્યક્ત કર્યો એણે તો નવો કોયડો ઉભો કર્યો.

હકીકત એમ બની હતી કે વીમો ઉતરાવ્યો તે પહેલા જ તેમને મધુપ્રમેહ (ડાયાબિટીસ )નો રોગ લાગુ થયો હતો, પરંતુ વીમા કંપનીના ડોક્ટરે વેઠ ઉતારી હોવાથી, તે વખતે , આ વાત પકડી શકાઈ નહોતી .

આ વાત જાણ્યા પછી, નીલમાધવના મનમાં થોડી ગડમથલ ઊભી થઈ.

તેમના જાગ્રુત આત્માએ વિચાર્યું કે મારે મન દાયકા કરતાં નીતીનું મહત્વ વધારે છે. એટલે; જો હું એ રકમ મારા વંશવારસોને લેવા દઉ તો અજાણતાં પણ મારે હાથે નીતિભંગ થયો ગણાય. મારી જિંદગી દરમિયાન જતન કરીને જીવની જેમ જેને જાળવી જાણી છે એ નીતિને હું છેલ્લી ઘડીએ નેવે મૂકી ન શકું.

માંહ્યલા મન સાથે થોડી વાર મસલત કરીને તેમણે નક્કી કર્યું કે કોઈ પણ ભોગે આ વાતનો ન્યાયોચિત ફેંસલો તો લાવવો જોઈએ.

તરત જ કાગળ ને કિત્તો મંગાવ્યા. વીમા કંપનીને સંબોધી નીચે મુજબ પત્ર લખ્યો :

મહેરબાન સાહેબ,

આ પત્ર દ્વારા આપને સવિનય જણાવવાની રજા લઉં છું કે , આપની કંપનીમાં , અમુક દિવસે અમુક પોલીસી નંબર દ્વારા , અમુક મુદત સુધીનો વીમો ઉતરાવ્યો છે. તે દિવસે તમારા ડૉક્ટરે તો મને સંપૂર્ણ નીરોગી ઠરાવ્યો હતો; પરંતુ હવે મને ખબર પડી છે કે વાસ્તવમાં ત્યારે હું મધુપ્રમેહનો દરદી હતો. જો કે , કાયદાની નજરે તો વીમા જેટલી રકમ કંપની પાસેથી વસૂલ લેવા માટે મારા વંશવારસો હક્કદાર છે જ . છતાં , મને લાગે છે કે નીતિની દ્રષ્ટીએ તેનો લાભ લેવો શોભાસ્પદ નથી.

આથી હું મારી લેખિત સંમતિ આપું છું કે પ્રસ્તુત વીમાની રકમ લેવાનો મારો અધિકાર હું આજથી જતો કરું છું. અજાણતાં પણ મારા હાથે થયેલા આ દોષ બદલ દિલગીરી વ્યક્ત કરી આપની ક્ષમા પ્રાર્થું છું .

Thursday, August 23, 2007

આપણે સારા બનીએ

રાજા અકબર દરબાર ભરીને બેઠા હતા. તેમણે ભીંત ઉપર એક લીટી દોરી અને સભાજનોને કહ્યું કે લીટીને કાપ્યા વગર તેને ટુંકી બનાવી દો. સૌ વિચારમાં પડી ગયા કે આમ કઈ થાય ?

હાજરજવાબી બીરબલ તરફ સૌની નજર ગઈ. તેઓ ભીંત પાસે આવ્યા . બાદશાહે દોરેલી લીટીની બાજુમાં તેનાથી મોટી એક લીટી દોરી. સભાજનોને અને રાજાને જવાબ મળી ગયો. બીરબલે દોરેલી લીટીની સરખામણીમાં હવે રાજાની લીટી ટૂંકી લાગતી હતી.

આ વાત જીવનમાં લાગુ પાડીએ તો આપણું જીવન ઉદાત્ત બની જાય. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને નીચે પાડવા માટે તેની ભૂલો કે મર્યાદાઓ શોધવાની જરૂર નથી , પરંતુ આપણી જાતને કે સંસ્થાને સારા કાર્યો કે ગુણોથી આગળ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

Friday, June 22, 2007

જીવન વિનષ્ટ કરનારાં તત્વો

ગંદા -મિત્રો- ગંદા ચિત્રો– ગંદા પુસ્તકો

ફિલાડેલ્ફિયાના એક અધિકારીએ એકવાર કહ્યું હતું કે જો હલકી કોટીના નાટકો અને એવાં જ હલકી કોટીના તમામ પુસ્તકોનો નાશ કરવામાં આવે તો એક જ વરસમા જેલમાંથી બે તૃતીયાંશ તરુણોને મુક્તિ મળી જાય.

યુવકોને વિવિધ ક્ષેત્રે જે શિક્ષા કરવી પડે છે તેનું મુખ્ય કારણ તેમના વ્યક્તિત્વને મલિન કરનારું ગંદુ અશ્લીલ સાહિત્ય છે. મોટાભાગના લોકો એને ફેશન માને છે; પરંતુ ગંદા મિત્રો, ગંદા ચિત્રો અને ગંદા પુસ્તકોથી જીવન વિનષ્ટ
જ થાય છે.

Thursday, June 21, 2007

પુણિયાનું ચિત્ત સામાયિકમાં કેમ ડોલવા લાગ્યું ?

પુણિયો શ્રાવક પ્રભુનો સાચો ભક્ત હતો.
એણે પોતાના સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો અને માત્ર રૂની પૂણીઓ બનાવી , તેને વેચીને પોતાની આજીવિકા ચલાવતો હતો.
આમાંથી જે કંઈ મળે તેનાથી પતિ-પત્ની સંતોષ માનતા હતા. બંનેના મનની ભાવનાઓ ઘણી ઊંચી હતી. બેમાંથી એક જણ ઉપવાસ કરે . ઉપવાસ એટલે આત્માની નજીક વાસ કરવો તે તો ખરું જ , પરંતુ ઉપવાસને કારણે જે ભોજન બચ્યું તે બીજાને ભાવથી બોલાવીને જમાડતા હતા .
સામાયિક તો પુણિયા શ્રાવકની. સામાયિક એટલે સમભાવ , સંયમ અને શુભભાવ . એ સામાયિક સમય જતાં પુણિયા શ્રાવકની અંતરયાત્રાનું શિખર બની ગઈ.
એક્વાર તો પુણિયા શ્રાવક સામાયિકમાં બેઠા હતા , પરંતુ ચિત્ત આત્મામાં સ્થિર નહોતું . મન જરા ડોલતું હતું . અગાઉ ક્યારેય આવું બન્યું નહોતું અને એકાએક આવું બન્યું કેમ ? શા માટે ચિત્ત આજે અસ્વસ્થ બન્યું ?
વિચારમાં ડૂબેલા પુણિયા શ્રાવકે એની પત્નીને કહ્યું , ``અરે ! આજે સામાયિકમાં કેમ ચિત્ત કેમ સ્થિર થતું નથી ? કશુંક અયોગ્ય , અનુચિત તો બન્યું નથી ને ? કોઈ અનીતિવાળું કશુંક દ્રવ્ય તો ઘરમાં આવ્યું નથી ને ?”
પુણિયાની પત્નીએ કહ્યું , `` આજે ઘરમાં છાણા નહોતા . રસ્તામાં જતી હતી ત્યાં છાણા પડેલા જોયાં . એમાંથી થોડા છાણા લઈને આજે રસોઈ કરી છે . બાકી બીજું કશું ઘરમાં આવ્યું નથી કે હું કશું લાવી નથી . “
પુણિયાએ કહ્યું , “બસ ! આ જ તો સામાયિકમાં ચિત્ત સ્થિર ન રહેવાનું કારણ છે . એ અણહક્કના છાણાથી રસોઇ બનાવવામાં આવી એને પરિણામે આજે મન ડોલવા લાગ્યું ”
પુણિયાની પત્નીએ કહ્યું , “ છાણા તો રસ્તા પર પડ્યા હતા , તેનો કોઇ માલિક હોય તેવું પણ નહોતું .”
પુણિયાએ કહ્યું , “ છાણાનો કોઇ માલિક ન હોય તો તો રાજા એનો માલિક ગણાય.
આથી આપણે રજદ્રવ્ય લઈ આવ્યા ગણાઇએ . એટલે ત્યાં પાછા મૂકી આવજે . અણહક્કનું આપણને કશું ન ખપે ``
આ દેશ એ છે કે જ્યાં રસ્તા પર પડેલા અણહક્કના છાણા લેવામાં પણ અધર્મ ગણાતો હતો , ત્યાં આજે બીજાનું છીનવી લેવામાં પોતાની હોશિયારી ગણાય છે . પુણિયાનો દાખલો બતાવે છે કે સાચો શ્રાવક કેવો હોય અને એની આત્મજાગ્રુતી એને સતત જીવનશુધ્ધી તરફ કેવી રીતે દોરી જનારી હોય છે .
અરે યાર

Thursday, June 07, 2007

દુ:ખમાં પણ શાંતિ રાખવી

ઇટાલીમાં એક પાદરી રહેતો હતો. વારંવાર અનેક મુશ્કેલીઓ આવી પડવા છતાંય તે કદી મનમાં શોક કરતો નહિ કે ચિડાતો નહિ. ક્યારેક લોકો પણ એને ગાળો દે કે ખરાબ શબ્દો કહે તોપણ તે મીઠો જવાબ આપતો યા હસી દેતો. એની આટલી શાંતી ને ધીરતા જોઇ કોઇકે પૂછ્યું , ``પાદરી , તમારામાં આટલી સહનશક્તિ ક્યાંથી આવી ?

તેણે જવાબ આપ્યો , `` ભાઇ , હું જ્યારે ઊંચે આકાશ તરફ દ્રષ્ટિ ફેંકુ છું ત્યારે મને એક જ વિચાર આવે છે અને તે કે મારે પણ એક દિવસ ત્યાં જવાનું છે તો પછી અહીંના સંબંધ કે વ્યવહારને શા માટે બગાડું ? નીચે નજર કરું છું તો થાય છે કે ઊઠવા , બેસવા ને સૂવા માટે તે વળી કેટલી જમીન જોઈએ ? મારી આજુબાજુ જોઊં છું તો બસ થાય છે કે મારા કરતાં પણ કેટલાય લોકો વધારે દુ:ખી છે . બસ , એવા વિચારો આવતાંની સાથે મારુ મન એકદમ શાંત થઈ જાય છે અને તેથી મને કોઈ પણ બાબત પર જરાયે ગુસ્સો ચડતો નથી અને ભાઈ , દુ:ખમાં ક્રોધ કરવાથી ઓછું સુખ મળી જવાનું છે ? તો પછીથી શાંતિથી દુ:ખ કેમ સહન કરવું ?

Tuesday, June 05, 2007

સ્વસ્થ જીવન જીવવા માટે


1. શરીરને સદા સ્વસ્થ અને સ્ફુર્તિદાયક રાખી શકે તેટલા પ્રમાણમાં ઊંઘ અને આરામ મેળવો.

2 . તમારો ઊઠવાનો સમય અને ભોજનના સમય વચ્ચે ઓછામાં ઓછો પાંચથી કલાકનો સમય રાખો.

3. સવારે નિયમિત ચાલવાનો, માલિસનો, વ્યાયામનો તથા શક્ય શરીર શ્રમનો નિયમ રાખવો.

4. સ્નિગ્ધ - ચરબીવાળા પદાર્થો ખાવાના ઓછા કરીને ફળો , કઠોળ , શાકભાજી વગેરે તથા લીંબુ જેવા પાચકમાં મદદરૂપ પદાર્થોને લેવાનું રાખો.

5. સફરજન , ચીકું , નારંગી તથા કાજુ જેવા ફળો યોગ્ય માત્રામાં માફક હોય તો અવશ્ય લેવા જોઇએ .

6. સાંજનું ભોજન પચવામાં હલકું હોવુ જોઈએ , જેમાં ખીચડી - થૂલી વગેરેને સ્થાન આપો.

7. જમ્યા પછી આરોગ્યને હાનિકારક વ્યસનોનાં સેવન કરવા કરતાં અજમો, સૂવા , વરિયાળી જેવા દ્રવ્યોનો મુખવાસ તરીકે ઉપયોગ કરવો. કબજિયાત થાય અને રેચક દવા લેવી પડે એના કરતાં કબજિયાત થાય નહિ તેવું કરો. અઠવાડિયે પંદર દિવસે એકાદ ઉપવાસ કરો . ચા લેવી પડે તો પણ પૂરતી લેવી.

કોઇ પણ વ્યક્તિ ધારે તો નિયમોનો જીવનમાં અમલ કરી સામન્ય બીમારીઓથી બચી શકશે.

Friday, May 25, 2007

યુવાનો આટલું તો જરૂર કરો.


1. સાદો , સાત્વિક અને પૌષ્ટિક ખોરાક પસંદ કરો.

2 . ટાપટીપ અને ક્રુત્રિમ હાવભાવનો ત્યાગ કરો.

3 . જીવનમા શુધ્ધ શાકાહારને અપનાવો અને બીડી જેવા વ્યસનોથી સદા મુક્ત રહો.

4 . માત્ર પુસ્તકીયા માહિતીને માથામાં ભરવા કરતાં માનવતાના મીઠા અનુભવોથી મગજને હંમેશા તરબોળ રાખી તાજું રાખ્યા કરો.

5 . મહિલામાત્રમાં વાત્સલ્યમયી અમે અમીભરી માત્રુશક્તિને નીરખવા મથો અથવા નેત્રોને નીચાં ઢાળી ચાલવાની સુટેવ પાડો .

6 . હલકું સાહિત્ય વાંચવા કરતાં સારા ગ્રુહસ્થાશ્રમી બનવા શાસ્ત્રો વાંચો અને વિવેક કરી નાની - મોટી ભૂલ માત્રથી સાવધાન થાઓ .

શ્રી સંતબાલજી

Thursday, May 24, 2007

જ્ઞાનીને મરણનો ભય શાનો ?


શ્રી પંડિત ટોડરમલજીની અનોખી વિદ્વતાથી કેટલાક લોકો ઇર્ષ્યાગ્નિમાં બળતા હતા , કારણ કે જયપુરના મહારાજા પાસે એમની ખૂબ પ્રતિષ્ઠા હતી . તેથી કેટલાક દ્વેશી પંડિતોએ ષડયંત્ર રચીને પોતાના ધર્મ - અપમાનનો એમના પર આરોપ ઠોકી બેસાડ્યો . જયપુરના મહારાજાએ પણ સાંપ્રદાયિક્તાને વશ થઈને એમને હાથીના પગ નીચે કચડી નાખવાનો મ્રુત્યુદંડ જાહેર કર્યો . નિર્દોષ પંડિતજીને મદોન્મત્ત હાથીની સામે બેસાડી દીધા . જ્યારે મહાવત હાથીને આગળ ધપાવવા ઇચ્છતો ત્યારે હાથી પગ તો ઉઠાવતો , પરંતુ એમના પર પગ નો`તો મૂકતો . મહાવતના મારથી હાથી લોહીલુહાણ થઈ ચિચિયારી પાડતો હતો . જોઇને પંડિત ટોડરમલજીએ હાથીને કહ્યું , `` ગજરાજ ! શું કરી રહ્યા છો ? શું ન્યાય તમારા હાથમાં છે ? તમે તમારું કર્તવ્યપાલન કરો . આટલું સાંભળી હાથીએ તેમના પેટ પર પગ મૂકી દીધો અને એમનું પ્રણપંખેરુ ઉડી ગયું.

Wednesday, May 23, 2007

જીવનના રંગ


કલમની
ખોળે માથું મૂકીને સતત સાહિત્યોપાસના કરનાર કવિ નર્મદના ઘરમાં એવા દિવસો આવી પહોંચ્યા કે ઘરમાં પેટ પૂરતું ખાવા અનાજ પણ હોય નહી .

નર્મદ તો લખવામાં મસ્ત ! ઘરનું ગાડું કેમ ચાલે છે તેની એમને કોઈ ચિંતાજ નહી ! ઘરનો બધો વ્યવહાર એમનો રસોઇયો નરભેરામ ચલાવતો હતો .

એક વાર કવિ નર્મદ કશુંક લખી રહ્યા હતા , લખતાં લખતાં ખાવાનો સમય થયો , એટલે લખવાનું પડતું મૂકી રસોડામાં આવ્યા . નરભેરામને કહેવા લાગ્યા , `` નરભેરામ ! બોલો ! આજે રસોઇમાં શું રાંધ્યું છે ?

નરભેરામે જવાબ આપવાને બદલે મોઢું નીચું કરી દિધું !

જોઇને કવિએ પૂછ્યું , `` તું જવાબ આપવાને બદલે નીચું કેમ જોવે છે ?

નરભેરામે પોતાનું મોઢું ઊંચુ કર્યું . તેની આંખો આંસુથી ઉભરાઇ હતી . તે બોલ્યો , `` ઘરમાં આજે અનાજનો એક દાણો નથી . `` તો એમ વાત છે ! `` હા ! આપણી સંપત્તિ ગણો કે મિલકત ગણો , તે પાવલી છે !

`` વાહ ! પાવલી તો છે ને ? જા , બજારમાં જઇને પાવલીનું જે કાંઇ આવે તે ખાવાનું લઇ આવ .

નરભેરામ બજારમાં ગયો અને બે આનાનું દૂધ અને બે આનાના પૌંઆ લઇ આવ્યો.

દૂધપૌંઆ આરોગતા આરોગતા નર્મદે નરભેરામને કહ્યું , `` આને પણ જીવનનો એક રંગ જાણ ! કુદરત આપણને જીવનના બતાવે તે જોવા જોઈએ . એમાં કદી હતાશ થવું ઘટે ! મોજથી કપરાં સંજોગોને પણ વધાવી લેવા જોઈએ .

દૂધપૌંઆ આરોગીને વળી પાછું નર્મદે લખવાનું શરૂ કર્યું .

Friday, May 18, 2007

તમે દરરોજ ઊનું જમો છો કે ટાઢું ?

ભવ્ય , મનોહર અને કલામય દેલવાડાનાં જિનમંદિરો મંત્રી વસ્તુપાળ અને એમના પત્ની અનુપમા દેવીની કીર્તિગાથા આજેય કહે છે . ગિરિરાજ આબુ પર આવેલ લુણિગવસહી નામના મનોહર પ્રાસાદમાં દંપતીની ધર્મભાવનાઓનો ઉદ્ઘોષ કરે છે .

મંત્રી તેજપાળના ઘેર મુંજાલ મહેતા નામના નામું-ઠામું લખનાર વડીલ હતા . વર્ષોથી પરિવારમાં હોવાથી કુટુંબીજન બની ગયા હતા .

એકવાર મુંજાલ મહેતાએ મંત્રી તેજપાળને વિચિત્ર પ્રશ્ન કર્યો . એમણે પૂછ્યું , `` અરે મંત્રીરાજ ! મને કહેશો ખરા ? તમે ઊનું જમો છો કે ટાઢું જમો છો ?

મંત્રી તેજપાળને પ્રશ્ન સમજાયો નહી . એમણે કહ્યું , `` મહેતાજી , તમે શું કહો છો અને શા માટે કહો છો તે હું સમજી શકતો નથી . જરા ફરી કહો તો બરાબર સમજાય .

મુંજાલ મહેતાએ કહ્યું , `` મારે જાણવું છે કે તમે અગાઉ બનાવેલું ભોજન જમો છો કે પછી નવું તાજું ભોજન ખાવ છો ?

મંત્રી તેજપાળને પ્રશ્ન ઢંગધાડા વગરનો લાગ્યો . બીજ લોકોને થયું કે વીર યોધ્ધા અને રાજનીતીમાં કુશળ એવા વસ્તુપાળને આવો વાહિયાત પ્રશ્ન કરાતો હશે ?

આમ છતાં વસ્તુપાળે વિનયથી મુંજાલ મહેતાને કહ્યું , `` તમારો પ્રશ્ન મને સમજાતો નથી . એનો સંદર્ભ સ્પષ્ટ કરો તો ખ્યાલ આવે .

મુંજાલ મહેતાએ કહ્યું , `` આજ સવારે ધર્મસ્થાનમાં ગયો હતો . સાધુ મહારજ સાથે આપના વિશે વાત નિકળી . તેઓને જાણવું છે કે આપ રોજ ઊનું જમો છો કે ટાઢું ?

મંત્રી વસ્તુપાળ વિચારમાં પડી ગયા . નક્કી સાધુ મહારજની વાતમાં કોઈ સંકેત હોવો જોઈએ . મુંજાલ મહેતાએ સંકેત સ્પષ્ટ કરતાં કહ્યું , `` તમે જે કંઈ વૈભવ ભોગવો છો તે તો તમારા પૂર્વ જન્મની કમાણી છે . સવાલ છે કે આપ માત્ર ટાઢું ખાઈને બેસી રહો છો કે પછી જન્મ માં પુણ્યની નવી કમાણી કરીને ઊનું જમો છો ?

માનવી જ્યારે ટાઢું જમતો હોય છે ત્યારે ભાગ્યેજ ઉનું જમવાનું વિચાર કરતો હોય છે . પોતાની વર્તમાન સુખ , સંપત્તિ અને સાહ્યબીમાં એટલો ગળાડુબ બની જાય છે કે તે આવતી કાલનો વિચાર કરતો નથી . માત્ર આજને સર્વસ્વ માનીને ચાલે છે .

નવું તાજું ભોજન થાય તો જુનું ભોજન કેટલું ચાલે ? થોડાં સમયમાં જૂનું ભોજન ખૂટી પડતા ખાવાના સાંસા ઉભા થાય છે . આથી માનવીએ પોતાની જાતને સવાલ પૂછવો જોઈએ કે ટાઢું જમે છે કે ઊનું ?

Thursday, May 17, 2007

સાચી દીપાવલી કેમ ઉજવીશું ?


પ્રિય મિત્રો ! નૂતન વર્ષના તમોને સૌને હાર્દિક અભિનંદન . સમય તો અવિરતપણે વહ્યે જ જાય છે . સમયના પ્રવાહની સાથે ચાલનાર વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે . વેપારીઓ તો આખા વર્ષનો હિસાબ માંડીને ભૌતિક નફા - તોટાનો હિસાબ કરશે , પણ આપણે જીવનનો હિસાબ માંડીશું ખરા ? કેટલા સદ્ગુણોનો નફો થયો અને કેટલા અવગુણોની બાદબાકી થઈ એનો નૂતન વર્ષે વિચાર કરવો જોઈએ .


``આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું ,

કેટલી કમાણી કરી કેટલું છે દેવું;

કાઢી સર્વૈયુ કોઈ સંતને બતાવજો ,

આ જીંદગીના ચોપડામાં સરવાળો માંડજો . "


દીપાવલી પણ એ જ પ્રકાશનું પર્વ છે , પણ ખરેખર આપણે હ્રદયમાં પ્રકાશનું કિરણ પામ્યા છીએ ખરા ? દિવાળીએ ઘરનો કચરો તો કાઢીએ છીએ , પણ અંતરના ખૂણેખાંચરેથી દુર્ગુણોનો કચરો કાઢીએ છીએ ખરા ? બહારમાં તો મનમોહક રંગોળી કરીએ છીએ , પણ અંતરમાંથી વેરઝેર ની ભાવના દૂર કરી સદ્ભાવનાના રંગો ભર્યા છે ખરા ? મીઠાઈનો સ્વાદ તો માણીએ છીએ , પણ આત્માની શાંતિનો સ્વાદ ચાખ્યો છે ખરો ? દીપાવલીના દીવા બહારમાં તો પ્રગટાવીએ છીએ , પણ હ્રદયમાં વરસોવરસના કાળા અંધકારના થર પર થર બાઝી રહ્યા છે તેનો વિચાર કદી કર્યો છે ખરો ?


તો ચાલો , નૂતન વર્ષે આપણે હ્રદયમાં અજ્ઞાબરૂપી અંધકાર દૂર કરનાર જ્ઞાનરૂપી દીવો પ્રગટાવવાનો તથા જીવનને સદ્ગુણોની સુવાસથી મઘમઘતું બનાવવાનો સંકલ્પ કરીએ .


મિતેશ એ . શાહ

Wednesday, May 16, 2007

જીવન એ જ પારસમણિ

તમે તમારી સ્વ-અગત્યતા વધારી ન દેતા , ધન , કીર્તિનો ઢગલો ન કર્યા કરતા . કોઇ કોઇ વાર અંતરંગમાં નિતાંત ખાલી થઈ જાઓ . તમારી સંપત્તિ , વૈભવ , હોદ્દો , મોભો , પત્ની , સંતાન , મિત્રો , કશુંય તમારું નથી એમ સમજી ક્યાંય બીજે રહી જુઓ . બહિરંગમા તમારે થોડા કપડાં , મૂઠી ચોખા અને ઝૂંપડી જોઈશે . સાફલ્યના મ્રુગજળ પાછળ દોડ્યા ન કરતા . તે કશું નથી. બધો અહમનો પ્રસાર - પ્રચાર માત્ર છે . સ્વ- કેન્દ્રિત પ્રવ્રુત્તિની સાંકડી શેરી છે.

પંદર ઓરડાના બંગલામાં તમારે એકમાં જ સૂવાનું છે , પચ્ચીસ જોડ કપડામાંથી એક જ પહેરવાની છે , અનાજના કોઠારમાંથી મૂઠી ધાન ખાવાનું છે અને નોટોના બંડલમાંથી છેવટે તમે ઈશ્વર પાસે શું લઈ જશો ? તમારે જોઈએ તેના કરતાં વધારે સંગ્રહ કરી , તમે તમારા અનેક ભાઈભાંડુને ભૂખે રઝળાવો છો . તમારી દંભી મંઝિલ , અહમના લોભની છે . ઈશ્વરે આપેલા જીવન - પારસમણિનો ગેરસમજણને લીધે દુરુપયોગ કરો છો . જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે કથીર બનાવી નાખો છો

Tuesday, May 15, 2007

ફરજ અને હક્ક

આ જમાનો Easy-Money અર્થાત ફોગટનું ધન કોઈ પણ ઉપાયે મેળવી લેવાનો બની ગયો છે . સમગ્રતાથી વિચારીએ તો, દરેક બાબતમાં વધારે મેળવી લેવું અને ઓછું આપવું એવી હીનવ્રુત્તિ આપણા સમાજમાં અને દિમાગમાં ઘર કરી ગઈ છે . આ કારણથી લગભગ બધા જ ક્ષેત્રોમાં કટોકટી જેવી સ્થિતિનું સર્જન થઈ ગયું છે અને દેશ ખાડે ગયો છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. થોડા દ્રષ્ટાંતો દ્વારા સ્વનિરીક્ષણ કરીએ : -

  1. જેમણે જન્મ , ઉછેર , શિક્ષણ અને સંસ્કારો આપ્યા તેવા મા-બાપની સેવા કરવા આપણે કેતલા તત્પર છીએ ?

  2. બૅંક , એલ.આઈ. સી., પોસ્ટ કે પોલીસ-ખાતામાં કેટલા કલાકની ફરજ બજાવીએ છીએ ? વારંવાર હડતાળો પાડી , Unionism ને આધીન થઈ પગાર વધારો માગ્યે જઈએ છીએ અને કામ ઓછું કરવું પડે એવી માંગણીઓ કરતા જઈએ છીએ !!

  3. શાળા - કોલેજોમાં પૂરો પગાર મળે છે પણ ત્યાં તો નામ-માત્ર ભણાવીએ છીએ ; શક્તિ તો બધી ખાનગી ટ્યુશન કરવામાં જ વાપરીએ છીએ !

  4. વિધ્યાર્થી તરીકે વિધ્યા પ્રાપ્ત કરવાની મહેનત કરતા નથી , કૉલેજોમાં પીરિયડ ભરતા નથી અને પરીક્ષાના પેપરો પૈસાના જોરે ફોડી નાખીએ છીએ . શું આવું વિધ્યાર્થી જીવન હોય ?

  5. જે સદ્ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમનાથી થોડા જ વખતમાં અલગ થઈ જઈએ છીએ , પોતાને સ્વયંસ્ફુરિત જ્ઞાન થયું છે એમ કહીએ છીએ, ગુરુનો ઉપકાર ઓળવીએ છીએ ; અને કથંચિત તેમની સાથે જ Unhealthy Competition કરવાનું અધમ ક્રુત્ય પણ કરીએ છીએ !!

  6. મા-બાપ તરીકે બાળકોના ભણતર અને ઘડતર પ્રત્યે બેદરકાર છીએ . કહીએ છીએ કે અમને બાળકો સાથે બેસવાનો સમય નથી . યાદ રાખીએ કે 14-15 વર્ષે છોકરો ચીઢીયો , રખડેલ કે સામાબોલો થઈ જાય ત્યારે તેનો વાંક કાઢીએ છીએ પણ આપણે આપણી ફરજ બજાવી નથી એવો એકરાર કરતા નથી !

  7. બેહદ કાળુ નાણું ભેગુ કરીએ છીએ . યોગ્યપણે કર ભરવાની ફરજ બજાવતા નથી અને પછી સરકારને અનેક પ્રકારે વગોવીએ છીએ અથવા ઇન્કમટેક્સ નો દરોડો પડતાં હ્રદયરોગના ભોગ બનીએ છીએ !

    તો , અહીં કહેવાનો આશય છે કે હક્ક અને ફરજ બન્નેનો , આપણા જીવનમાં યથાયોગ્યપણે વિકાસ સ્વિકારવો જોઈએ ; કારણકે બન્નેના અન્યોન્યા શ્રયથી જ સાચો વિકાસ સંભવે છે . હ્રદયના સાચા ભાવથી પોતાની ફરજ બજાવીએ અને યોગ્ય હક્કની માંગણી કરીએ ; કવચિત તેને માટે સત્યાગ્રહ માં પણ જોડાઈએ . આમ આ બન્નેનું સંતુલન કરીએ તો વ્યક્તિગત અને સમષ્ટિગત પ્રગતિ થઈ શકે અને સુખ , શાંતિ , સગવડ અને સૌજન્યની અનુભૂતિ થાય .

Thursday, March 08, 2007

ના , હું તો ગાઈશ

એક ગધેડા અને શિયાળની વાત બધા જાણે છે. એક ચાંદની રાતમાં આ બે મિત્રો એક ખેતરમાં ઘુસ્યા. પાક તૈયાર હતો. બેઉ જણાએ ધરાઈને ખાધો. પછી ગધેડો હરખમાં આવી ગયો અને શિયાળને કહ્યું કે હવે હું થોડું ગાવા માંડું. શિયાળે કયું કે અત્યારે નહિ, પણ ગધેડો તો હઠે ચડ્યો અને કહે કે ના, હું તો ગાઇશ ! શિયાળે કહ્યું કે તો ભલે , હું જરા ખેતરની બહાર નીકળી જાઉં , પછી તારે ગાવું હોય તેટલું ગા. શિયાળ બહાર નીકળી ગયું અને ગધેડાએ એનું ગાયન શરુ કર્યું - હોં ...ચી, હોં ...ચી. અવાજ સાંભળીને ખેતરનો માલિક દોડતો આવ્યો અને દંડાથી ગધેડાને એવો પીટ્યો, એવો પીટ્યો કે તે અધમૂઓ થઈ ગયો. ખેતરની બહાર આવતાં જ પેલા શિયાળે કહ્યું કે મેં તને ગાવાનું ના કહ્યું હતું, પણ તું માન્યો જ નહિ. લે હવે ગાવાનુ ફળ ભોગવ.

આ વાત ભલે ગધેડા અને શિયાળની હોય, પણ એ આપણા જેવા સૌ સામાન્ય મનુષ્યોને લાગુ પડે છે. જીવનમાં પૂર્વ કર્મના ઉદય પ્રમાણે સુખ પણ આવે અને દુ:ખ પણ આવે. સંતો કહે છે કે આવે વખતે સમતા ભાવ રાખીને એ ભોગવી લે. તે વખતે તું ગાવાનું છોડી દે. આપણે તો સુખ વખતે હરખ પદુડા થઈ જઈએ છીએ અને હાહા..હીહી કરીએ છીએ. દુ:ખ વખતે ભાંગી પડીએ છીએ અને હાયવોય કરીએ છીએ. આ બેઉ પ્રકારનું ગાવાનું , હે જીવ ! તું છોડી દે અને સમતા ભાવ રાખીને એ સુખ-દુ:ખ ભોગવી લે એમ સંતો આપણને વારંવાર કહે છે, પણ તે વખતે આ શિખામણને ઉલંઘીને આપણે કહીએ છીએ કે ના, હું તો ગાઈશ અને પછી નવાં કરમ બાંધીને એ કરમનો દંડો પડે છે ત્યારે પસ્તાઈએ છીએ !

હવેથી આપણે આ ગધેડા જેવું તો નહી કરીએ ને ?

Friday, March 02, 2007

સસ્તુ શું ?

સમ્રાટ શ્રેણીકે રાજદરબારીઓને પૂછ્યું, `` અનાજની સમસ્યા ઉકેલવા માટે સસ્તી ચીજ કઇ છે ?"
શિકારશોખીન એક અધિકારીએ કહ્યું, `` રાજન , માંસ સાવ સસ્તું છે. તેના માટે પૈસોય ખર્ચવો પડતો નથી અને તે ખાવાથી શરીર પણ પુષ્ટ બને છે."
અધિકારીના આ કથનને બધાએ ટેકો આપ્યો, પરંતુ અભયકુમાર ચુપ રહ્યા . દરબાર વિખરાયો. રાત પડી. પરંતુ અભયકુમાર ગામમાં પેલા અધિકારીના ઘરે ગયા. ઊંઘમાથી ઉઠાડીને કહ્યું, "સમ્રાટની તબિયત ગંભીર છે. રાજવૈધે કહ્યું છે કે કોઈ મોટા માણસના હ્રદયનું પા તોલો માંસ આપવામાં આવે તો સમ્રાટનો જીવ બચી જાય. તમે મોટા માણસ છો. મને તમારા હ્રદયનું પા તોલો માંસ આપો. હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. "
અધિકારીના ચહેરાનો રંગ ઊડી ગયો. તેણે કહ્યું , " લો હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. જે હ્રદયનું માંસ આપે તેને તમે આપી દેજો .

Tuesday, January 09, 2007

સસ્તુ શું ?

સમ્રાટ શ્રેણીકે રાજદરબારીઓને પૂછ્યું, `` અનાજની સમસ્યા ઉકેલવા માટે સસ્તી ચીજ કઇ છે ?"

શિકારશોખીન એક અધિકારીએ કહ્યું, `` રાજન , માંસ સાવ સસ્તું છે. તેના માટે પૈસોય ખર્ચવો પડતો નથી અને તે ખાવાથી શરીર પણ પુષ્ટ બને છે."

અધિકારીના આ કથનને બધાએ ટેકો આપ્યો, પરંતુ અભયકુમાર ચુપ રહ્યા . દરબાર વિખરાયો. રાત પડી. પરંતુ અભયકુમાર ગામમાં પેલા અધિકારીના ઘરે ગયા. ઊંઘમાથી ઉઠાડીને કહ્યું, "સમ્રાટની તબિયત ગંભીર છે. રાજવૈધે કહ્યું છે કે કોઈ મોટા માણસના હ્રદયનું પા તોલો માંસ આપવામાં આવે તો સમ્રાટનો જીવ બચી જાય. તમે મોટા માણસ છો. મને તમારા હ્રદયનું પા તોલો માંસ આપો. હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. "

અધિકારીના ચહેરાનો રંગ ઊડી ગયો. તેણે કહ્યું , " લો હું તમને લાખ સુવર્ણમુદ્રા આપું છું. જે હ્રદયનું માંસ આપે તેને તમે આપી દેજો."