Friday, June 22, 2007

જીવન વિનષ્ટ કરનારાં તત્વો

ગંદા -મિત્રો- ગંદા ચિત્રો– ગંદા પુસ્તકો

ફિલાડેલ્ફિયાના એક અધિકારીએ એકવાર કહ્યું હતું કે જો હલકી કોટીના નાટકો અને એવાં જ હલકી કોટીના તમામ પુસ્તકોનો નાશ કરવામાં આવે તો એક જ વરસમા જેલમાંથી બે તૃતીયાંશ તરુણોને મુક્તિ મળી જાય.

યુવકોને વિવિધ ક્ષેત્રે જે શિક્ષા કરવી પડે છે તેનું મુખ્ય કારણ તેમના વ્યક્તિત્વને મલિન કરનારું ગંદુ અશ્લીલ સાહિત્ય છે. મોટાભાગના લોકો એને ફેશન માને છે; પરંતુ ગંદા મિત્રો, ગંદા ચિત્રો અને ગંદા પુસ્તકોથી જીવન વિનષ્ટ
જ થાય છે.

Thursday, June 21, 2007

પુણિયાનું ચિત્ત સામાયિકમાં કેમ ડોલવા લાગ્યું ?

પુણિયો શ્રાવક પ્રભુનો સાચો ભક્ત હતો.
એણે પોતાના સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો અને માત્ર રૂની પૂણીઓ બનાવી , તેને વેચીને પોતાની આજીવિકા ચલાવતો હતો.
આમાંથી જે કંઈ મળે તેનાથી પતિ-પત્ની સંતોષ માનતા હતા. બંનેના મનની ભાવનાઓ ઘણી ઊંચી હતી. બેમાંથી એક જણ ઉપવાસ કરે . ઉપવાસ એટલે આત્માની નજીક વાસ કરવો તે તો ખરું જ , પરંતુ ઉપવાસને કારણે જે ભોજન બચ્યું તે બીજાને ભાવથી બોલાવીને જમાડતા હતા .
સામાયિક તો પુણિયા શ્રાવકની. સામાયિક એટલે સમભાવ , સંયમ અને શુભભાવ . એ સામાયિક સમય જતાં પુણિયા શ્રાવકની અંતરયાત્રાનું શિખર બની ગઈ.
એક્વાર તો પુણિયા શ્રાવક સામાયિકમાં બેઠા હતા , પરંતુ ચિત્ત આત્મામાં સ્થિર નહોતું . મન જરા ડોલતું હતું . અગાઉ ક્યારેય આવું બન્યું નહોતું અને એકાએક આવું બન્યું કેમ ? શા માટે ચિત્ત આજે અસ્વસ્થ બન્યું ?
વિચારમાં ડૂબેલા પુણિયા શ્રાવકે એની પત્નીને કહ્યું , ``અરે ! આજે સામાયિકમાં કેમ ચિત્ત કેમ સ્થિર થતું નથી ? કશુંક અયોગ્ય , અનુચિત તો બન્યું નથી ને ? કોઈ અનીતિવાળું કશુંક દ્રવ્ય તો ઘરમાં આવ્યું નથી ને ?”
પુણિયાની પત્નીએ કહ્યું , `` આજે ઘરમાં છાણા નહોતા . રસ્તામાં જતી હતી ત્યાં છાણા પડેલા જોયાં . એમાંથી થોડા છાણા લઈને આજે રસોઈ કરી છે . બાકી બીજું કશું ઘરમાં આવ્યું નથી કે હું કશું લાવી નથી . “
પુણિયાએ કહ્યું , “બસ ! આ જ તો સામાયિકમાં ચિત્ત સ્થિર ન રહેવાનું કારણ છે . એ અણહક્કના છાણાથી રસોઇ બનાવવામાં આવી એને પરિણામે આજે મન ડોલવા લાગ્યું ”
પુણિયાની પત્નીએ કહ્યું , “ છાણા તો રસ્તા પર પડ્યા હતા , તેનો કોઇ માલિક હોય તેવું પણ નહોતું .”
પુણિયાએ કહ્યું , “ છાણાનો કોઇ માલિક ન હોય તો તો રાજા એનો માલિક ગણાય.
આથી આપણે રજદ્રવ્ય લઈ આવ્યા ગણાઇએ . એટલે ત્યાં પાછા મૂકી આવજે . અણહક્કનું આપણને કશું ન ખપે ``
આ દેશ એ છે કે જ્યાં રસ્તા પર પડેલા અણહક્કના છાણા લેવામાં પણ અધર્મ ગણાતો હતો , ત્યાં આજે બીજાનું છીનવી લેવામાં પોતાની હોશિયારી ગણાય છે . પુણિયાનો દાખલો બતાવે છે કે સાચો શ્રાવક કેવો હોય અને એની આત્મજાગ્રુતી એને સતત જીવનશુધ્ધી તરફ કેવી રીતે દોરી જનારી હોય છે .
અરે યાર

Thursday, June 07, 2007

દુ:ખમાં પણ શાંતિ રાખવી

ઇટાલીમાં એક પાદરી રહેતો હતો. વારંવાર અનેક મુશ્કેલીઓ આવી પડવા છતાંય તે કદી મનમાં શોક કરતો નહિ કે ચિડાતો નહિ. ક્યારેક લોકો પણ એને ગાળો દે કે ખરાબ શબ્દો કહે તોપણ તે મીઠો જવાબ આપતો યા હસી દેતો. એની આટલી શાંતી ને ધીરતા જોઇ કોઇકે પૂછ્યું , ``પાદરી , તમારામાં આટલી સહનશક્તિ ક્યાંથી આવી ?

તેણે જવાબ આપ્યો , `` ભાઇ , હું જ્યારે ઊંચે આકાશ તરફ દ્રષ્ટિ ફેંકુ છું ત્યારે મને એક જ વિચાર આવે છે અને તે કે મારે પણ એક દિવસ ત્યાં જવાનું છે તો પછી અહીંના સંબંધ કે વ્યવહારને શા માટે બગાડું ? નીચે નજર કરું છું તો થાય છે કે ઊઠવા , બેસવા ને સૂવા માટે તે વળી કેટલી જમીન જોઈએ ? મારી આજુબાજુ જોઊં છું તો બસ થાય છે કે મારા કરતાં પણ કેટલાય લોકો વધારે દુ:ખી છે . બસ , એવા વિચારો આવતાંની સાથે મારુ મન એકદમ શાંત થઈ જાય છે અને તેથી મને કોઈ પણ બાબત પર જરાયે ગુસ્સો ચડતો નથી અને ભાઈ , દુ:ખમાં ક્રોધ કરવાથી ઓછું સુખ મળી જવાનું છે ? તો પછીથી શાંતિથી દુ:ખ કેમ સહન કરવું ?

Tuesday, June 05, 2007

સ્વસ્થ જીવન જીવવા માટે


1. શરીરને સદા સ્વસ્થ અને સ્ફુર્તિદાયક રાખી શકે તેટલા પ્રમાણમાં ઊંઘ અને આરામ મેળવો.

2 . તમારો ઊઠવાનો સમય અને ભોજનના સમય વચ્ચે ઓછામાં ઓછો પાંચથી કલાકનો સમય રાખો.

3. સવારે નિયમિત ચાલવાનો, માલિસનો, વ્યાયામનો તથા શક્ય શરીર શ્રમનો નિયમ રાખવો.

4. સ્નિગ્ધ - ચરબીવાળા પદાર્થો ખાવાના ઓછા કરીને ફળો , કઠોળ , શાકભાજી વગેરે તથા લીંબુ જેવા પાચકમાં મદદરૂપ પદાર્થોને લેવાનું રાખો.

5. સફરજન , ચીકું , નારંગી તથા કાજુ જેવા ફળો યોગ્ય માત્રામાં માફક હોય તો અવશ્ય લેવા જોઇએ .

6. સાંજનું ભોજન પચવામાં હલકું હોવુ જોઈએ , જેમાં ખીચડી - થૂલી વગેરેને સ્થાન આપો.

7. જમ્યા પછી આરોગ્યને હાનિકારક વ્યસનોનાં સેવન કરવા કરતાં અજમો, સૂવા , વરિયાળી જેવા દ્રવ્યોનો મુખવાસ તરીકે ઉપયોગ કરવો. કબજિયાત થાય અને રેચક દવા લેવી પડે એના કરતાં કબજિયાત થાય નહિ તેવું કરો. અઠવાડિયે પંદર દિવસે એકાદ ઉપવાસ કરો . ચા લેવી પડે તો પણ પૂરતી લેવી.

કોઇ પણ વ્યક્તિ ધારે તો નિયમોનો જીવનમાં અમલ કરી સામન્ય બીમારીઓથી બચી શકશે.