બંગાળમાં નીલમાધવ ચટ્ટોપાધ્યાય કરીને એક સજ્જન રહે.
તેમની એવી માન્યતા હતી કે જીવનના નાના-મોટા તમામ પ્રસંગોએ નીતિના ત્રાજવે જ માનવનું મૂલ્યાંકન થવું જોઈએ.
એક વાર એવુ બન્યું કે પોતાની જિન્દગીનો તેણે વીમો ઊતરાવ્યો.
ચાર - છ મહિના પછી કોણ જાણે કેમ , તેઓ એકાએક બિમાર પડી ગયા .
થોડાક ઘરગથ્થુ ઈલાજો કર્યા, પણ તબિયતમાં જોઈએ એવો કંઈ સુધારો ન થયો.
છેવટે , કો'ક નિષ્ણાત દાક્તરની સલાહ લીધી.
ઝીણવટભરી તપાસ કર્યા પછી તેમણે જે અભિપ્રાય વ્યક્ત કર્યો એણે તો નવો કોયડો ઉભો કર્યો.
હકીકત એમ બની હતી કે વીમો ઉતરાવ્યો તે પહેલા જ તેમને મધુપ્રમેહ (ડાયાબિટીસ )નો રોગ લાગુ થયો હતો, પરંતુ વીમા કંપનીના ડોક્ટરે વેઠ ઉતારી હોવાથી, તે વખતે , આ વાત પકડી શકાઈ નહોતી .
આ વાત જાણ્યા પછી, નીલમાધવના મનમાં થોડી ગડમથલ ઊભી થઈ.
તેમના જાગ્રુત આત્માએ વિચાર્યું કે મારે મન દાયકા કરતાં નીતીનું મહત્વ વધારે છે. એટલે; જો હું એ રકમ મારા વંશવારસોને લેવા દઉ તો અજાણતાં પણ મારે હાથે નીતિભંગ થયો ગણાય. મારી જિંદગી દરમિયાન જતન કરીને જીવની જેમ જેને જાળવી જાણી છે એ નીતિને હું છેલ્લી ઘડીએ નેવે મૂકી ન શકું.
માંહ્યલા મન સાથે થોડી વાર મસલત કરીને તેમણે નક્કી કર્યું કે કોઈ પણ ભોગે આ વાતનો ન્યાયોચિત ફેંસલો તો લાવવો જોઈએ.
તરત જ કાગળ ને કિત્તો મંગાવ્યા. વીમા કંપનીને સંબોધી નીચે મુજબ પત્ર લખ્યો :
મહેરબાન સાહેબ,
આ પત્ર દ્વારા આપને સવિનય જણાવવાની રજા લઉં છું કે , આપની કંપનીમાં , અમુક દિવસે અમુક પોલીસી નંબર દ્વારા , અમુક મુદત સુધીનો વીમો ઉતરાવ્યો છે. તે દિવસે તમારા ડૉક્ટરે તો મને સંપૂર્ણ નીરોગી ઠરાવ્યો હતો; પરંતુ હવે મને ખબર પડી છે કે વાસ્તવમાં ત્યારે હું મધુપ્રમેહનો દરદી હતો. જો કે , કાયદાની નજરે તો વીમા જેટલી રકમ કંપની પાસેથી વસૂલ લેવા માટે મારા વંશવારસો હક્કદાર છે જ . છતાં , મને લાગે છે કે નીતિની દ્રષ્ટીએ તેનો લાભ લેવો શોભાસ્પદ નથી.
આથી હું મારી લેખિત સંમતિ આપું છું કે પ્રસ્તુત વીમાની રકમ લેવાનો મારો અધિકાર હું આજથી જતો કરું છું. અજાણતાં પણ મારા હાથે થયેલા આ દોષ બદલ દિલગીરી વ્યક્ત કરી આપની ક્ષમા પ્રાર્થું છું .
Monday, August 27, 2007
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment