જીવનને સફળ , શાંતિપૂર્ણ અને ખરેખરું મજેદાર બનાવવા માટેના થોડાક અનુભૂત કીમિયા અહીં જ ટપકાવી દઊં છું
1 માબાપ , વડીલો , વિદ્વાનો અને સંતોનું હંમેશા બહુમાન અને વિનય કરજે અને સ્વમાન તો સૌ કોઈનું જાળવજે
2 સોબત વિષે ખાસ કાળજી રાખજે. ખાનદાન અને ઊમદા આચાર વિચાર વાળાઓની જ કંપની રાખજે.
3 ઘરમાં , સંસ્થા માં , કે સમાજમાં સૌની સાથે પ્રેમથી રહેજે. નાના મોટાનો ભેદ કર્યા વિના સૌને યોગ્ય સગવડ , સન્માન , હૂંફ , ફરજની સોંપણી અને હક્ક મળે તેવું આયોજન અને પ્રવર્તન કરજે.
4 ઘસાઈને રાજી થજે, કારણકે જીવન વિકાસનો મૂળ-મંત્ર આ જ છે. જો કે પાયાના પત્થર બનીને રહેવું, સહન કરવાની ટેવ પાડી તેને વળગી રહેવું એ કઠિન કાર્ય છે પણ સફળતાના ઉંચા શિખરો તે વિના સર કરી શકાતા નથી. દુનિયા જેને દુ:ખ ગણે છે તે ખરેખર દુ:ખરૂપ નથી, માત્ર પ્રસૂતિ પહેલાની પીડા કે સિધ્ધિની પ્રાપ્તિ પહેલાના તપ જેવું છે.
5 જિંદગીની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે. એક મિનિટ પણ નકામી ન જાય અને તારા જીવનના ધ્યેય ની દિશામાં કંઈક પ્રગતિ થતી રહે તેનું ખાસ ધ્યાન રાખજે. આ માટે ઘણાં વર્ષો સુધી રોજનીશી કે ડાયરી લખવાથી થતા ફાયદાનો લેખકને અનુભવ છે. છેલ્લા લગભગ ત્રેવીસ વર્ષથી તો જીવન જ ખુલ્લી કિતાબ બની ગયું છે અને તેથી તે લખાતી નથી તો પણ તે (સમય) ના હિસાબનું ચિંતન તો કર્યા જ કરુ છું.
6 સારા પુસ્તકોનો શોખ : તારા ઘરમાં ઉત્તમ પુસતકો વસાવજે. બીજા પુસ્તકો મધ્યે, મહાપુરુષોના ચારિત્રો ધ્યાનપૂર્વક વાંચજે અને વિચારજે, તો જરૂર તને ઉન્નત જીવન જીવવાનું ખુબ જ બળ મળ શે . જ્યારે ત્વરાથી જીવનવિકાસ કરવાનો નિર્ણય કરે ત્યારે, કોઈ સાચા સંતના કે અનુભવીના આશ્રયે પધ્ધતિસરનું વાંચન કરી તારા હ્રદયના જ્ઞાન ભંડારને સમ્રુધ્ધ કરજે .
7 મન-વચન-કાયાથી નિયમિત બનજે. મનમાં પોતાના અને સૌના કલ્યાણના વિચારોને જ સ્થાન આપજે . આમ કરવાથી તારી વાણી પણ સૌમ્ય , સાચી, શ્રેયસ્કર અને સાંભળના રને શીતળ કરનારી બનશે . નિયમિત પ્રવ્રુતિ તને જીવનના દરેક ક્ષેત્રમાં મહાન બનાવશે, બધા કામ સમયસર પૂર્ણ કરી શકીશ, કાર્યક્ષમતા ખૂબ વધી જશે , સહજપણે સુયશ ફેલાશે અને જિંદગીની ગાડી સફળતાની દિશામાં જલ્દી જલ્દી દોડવા લાગશે.
8 આશાવાદી અભિગમ : દ અરેક કાર્ય પોતાની શક્તિ , સાધન અને પ્રયોજનને લક્ષમાં રાખીને ચાલું કરવુ. એક વાર જેનો પ્રારંભ કર્યો તે કાર્યમાં પ્રારંભમાં અનેક મુશ્કેલીઓ આવે તો પણ ધીરજ અને ખંત રાખીને તેમાં લાગ્યા રહેવું અને અન્યનો સહયોગ લેવામાં પણ સંકોચ અનુભવવો નહી. થાક , કંટાળો , વિરોધ , ટાંચા સાધનો અને સમયસર સફળતા ન મળે તો પણ પ્રામાણિક વ્યવસ્થિત ઉધ્યમથી કાર્યની યથાપદવી સિધ્ધિ થઈ જાય છે.
9 વ્યસનરહિતપણું : જેના જીવનમાં મોટા વ્યસન હોય તે પરાધીન , વ્યગ્ર , ચંચળ ચિત્તવાળો , નાદુરસ્ત , ખર્ચાળ અને ચીડિયા સ્વભાવવાળો બની જાય છે. માટે પ્રયત્ને કરીને પણ દારૂ , જુગાર , માંસાહાર , શિકાર , ચોરી કે વિષયલંપટતા જેવા ભયંકર દુર્ગૂણો પોતાના જીવનમાં ન પેસી જાય તેની સતત કાળજી રાખજે.
10 ઠંડુ અને સ્વસ્થ દિમાગ : આવેશમાં આવી જવાથી એક જાતનું ગાંડપણ આપણા પર સવાર થઈ જાય છે. વાણી કે વર્તનનો ખ્યાલ રહેતો નથી અને અયોગ્ય કાર્ય થઈ જવાથી પોતાને અને અન્યને નુકસાન થઈ જાય છે. આવા મનુષ્યની મિત્રતા કોઈ કરતું નથી. તે એકલો અટુલો પડી જાય છે અને પ્રસન્નતા નો નાશ થઈ જવાથી તે પોતાના કાર્યોમાં સફળ બની શકતો નથી.
મનની અને તનની તંદુરસ્તી માટે શવાસન (Relaxation) એક ઉત્તમ , સરળ , સર્વસુલભ અને પ્રયોગસિધ્ધ ઉપાય છે. સવાર - સાંજ પાંચ - પાંચ મિનિટના પ્રયોગથી અનેક લાભ થાય છે.
પૂજ્ય શ્રી આત્માનંદજી
Tuesday, December 12, 2006
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment