આચાર્ય ભગવંતોએ જે શાસ્ત્રોની રચના કરી છે તે શાસ્ત્રોમાં કોઈ પણ વાત જીવના ફાયદા વગર લખી કે કહી નથી.જીવના કલ્યાણનો ઊદેશ એમાં ગર્ભિત રીતે હોય જ છે. આપણને વિચાર આવે કે પર્યાય અને ક્રમબધ્ધ પર્યાયનાં વિષયને જાણીને આપણો શું ફાયદો ? જે થવાનું છે એ તો થવાનુ જ છે તો એમાં આપણું હિત ક્યાંથી આવ્યું? આતો ફક્ત નિયતીવાદ અને નિશ્ચયવાદની વાતો છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે જો તુ પર્યાય અને ક્રમબધ્ધ પર્યાયની શ્રધ્ધા કરીશ તો તારો કર્તાભાવ તૂટશે અને અકર્તાપણું પ્રગટ થશે.
જો આપણી શ્રધ્ધામાં એ વાત બેસી જાય કે જે થવાનું છે તે જ થયું છે, અને તે થવુ નક્કી જ હતુ.આપણે ધારત તો પણ એમાં કોઈ ફેરફાર કરવાને સમર્થ નહોતા તો જે પણ વસ્તુ ઘટી કે સંજોગો બન્યા તેને આપણે સહજતાથી સ્વીકારી લેશું.સમભાવે, સમદર્શી બની, સમાધિથી જે થયું છે તેને અંગિકાર કરી લેશું સમભાવે, સમદર્શી બની, સમાધિથી જે થયુ છે તેને અંગિકાર કરી લેવુ એ જ ક્રમબધ્ધ પર્યાય અને પર્યાયના વિષયનો આપણને સંદેશ છે. તુ કોઈ વસ્તુનો કર્તા નથી.કોઈ વસ્તુમાં ફેરફાર કરી શકવાનો નથી જે થયું છે તેનો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છે, જોવા અને જાણવા સિવાય બીજી કોઈ બાજી તારા હાથમાં નથી.
દ્રવ્ય ,ઉત્પાદ,વ્યય,ધ્રુવ સહિત છે. સમયે સમયે નવી પર્યાય ઉત્પન થાય છે અને જુનાં પર્યાયનો વ્યય થાય છે. આમ અવસ્થા બદલાયા કરે છે. છ દ્રવ્યોનું બનેલું આ વિશ્વ સતત પરિવર્તંશીલ છે. આથી એમ સમજાય કે જે આજે છે એ કાલે રહેવાનું નથી અને જે કાલે હતું એ આજે નથી. આજે પૈસો છે તો કાલે કદાચ નહી હોય તો આ મળેલા સંજોગોમાં તુ હર્ષ અને શોક નહી કર. કારણકે આ પરિવર્તન છે.પર્યાય સમજાવે છે કે સંસારનું નામ જ પરિવર્તન છે. પત્ની,પુત્ર,ઘર,મિલકત, મળેલા સંજોગો એ બધું અનિત્ય છે.અને એ પોતાના કાળે છુટી જ જવાનું છે કારણકે તે અનિત્ય છે માટે તેમાં રાગ દ્વેષનાં પરિણામો ન કર.
ક્રમબધ્ધ પર્યાયનો મુખ્ય સંદેશ એ છે કે જે પણ થાય છે તે તારા બાંધલા કર્મના નિમિત્તે થાય છે. જૈન દર્શનમાં કોઈ ઇશ્વર આ જગત નો સંચાલક હોય તેવી તો વ્યવસ્થા જ નથી. તારા પોતાના દોષોથી ,તારા કર્મોથી તું બંધાય છે અને હવે જે તારો પુરુષાર્થ હશે તે પ્રમાણે નવા કર્મો બંધાશે અથવા છુટશે.જ્યારે મંદકષાય થવાના હશે ત્યારે તેવો પુરુષાર્થ ઉપડશે,આત્મ સન્મુખ થવાનુ હશે તો તેવો પુરુષાર્થ ઉપડશે કેમ કે એ તારી ક્રમબધ્ધ પર્યાયમાં નક્કી થયેલું છે.
ક્રમબધ્ધ પર્યાય આપણને એ જ સંદેશો આપે છે કે હતાશ ન થા. દરેક નવો દિવસ તાર માટે નવો સંદેશો લઈ આવે છે.અત્યાર સુધી કાંઈ પણ આખા જીવનમાં ન થઈ શક્યું હોય તો પણ કાંઈ મોડુ નથી થયું.જાગ્યા ત્યાંથી સવાર. It is never too late. અનંતકાળથી તેં જે નથી કર્યું તે તું કરી પણ શકે છે.
આશા ન છોડ. આજ સુધી ધર્મ નથી કર્યો તો કાલે નહીં કરી શકે એવું નથી.વાર ફક્ત તારો પુરુષાર્થ ઉપાડવાની છે.આજ પર્યાય અને ક્રમબધ્ધ પર્યાયનો આપણા માટે બોધ છે, સંદેશ છે.
લોકાધાર અંક 15 ઓગસ્ટ 2006 માંથી સાભાર
Monday, September 04, 2006
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment