Monday, September 25, 2006

મનુષ્યને મળેલી ઉત્તમ ભેંટ : સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકબુધ્ધિ

દરેક ચીજનો વેપાર કરનારી આપણી પ્રજાએ ધર્મને પણ નથી છોડ્યો. મંદિરોમાં પ્રભુની આરતી અને પ્રસાદના જુદાં જુદાં ભાવો નક્કી કરીને એનું પાટીયું મારવામાં આવે છે ! પ્રભુના ઘરમાં પણ પૈસાની બોલબાલા ! પુણ્યનો પણ ચડાવો થાય અને પૈસાદાર વધુ પૈસા ખર્ચીને વધુ પુણ્ય ખરીદે . આજના ધાર્મિક સ્થાનો પણ મોટા સ્થાપિત હિતો બની ગયા છે. એમની આવક અને મિલકત ઉપરથી એમની મહત્ત નક્કી થાય છે . માણસ માણસ વચ્ચે ધર્મની દિવાલ આવીને ઉભી રહી ગયી છે : ધર્મના સ્થાનો ઉપર ધર્મી ઓ એ અડ્ડો જમાવ્યો છે. આજના ધર્મ ઉપદેશકો પણ જનસંપર્ક અને પ્રચારના આધુનિક કીમિયા અજમાવે છે.અને ધર્મસ્થાનોને ફિલ્મી મનોરંજનની કક્ષાએ લઈ જઈ લોકરંજન કરે છે. આવી કથાઓ સાંભળવા જવું એ ફેશન બન્યુ છે. આપણા દર્દો નું ઓસડ ધર્મના એજન્ટો પાસે નથી, એ સત્ય આપણને ક્યારે સમજાશે ?
જો ધર્મસ્થાનો, પુજાપાઠો અને હોમહવનથી કલ્યાણ થતું હોત તો આપણા દેશમાં સ્વર્ગ ઉતર્યું હોત. સેંકડો સંપ્રદાયો અને પંથોવાળા દેશમાં શેરીએ શેરીએ ધર્મગુરુઓ ,સાધુઓ ,ફકીરો જોવા મળે છે.. ડગલે ને પગલે મંદિરો , મસ્જીદ જોવા મળે છે. નિતનવા સ્થળોએ ધુન-ભજનો થાય છે. કથા થાય છે. દર એક નવું કામ ધાર્મિક વિધીથી થાય છે. ભુમિપુજનની સાથે આપણે ચોપડાનું પણ પુજન કરીએ છીએ ! આવા દેશમાં ગરીબી અને ભુખમરો શા માટે હોય ? આવા દેશોમાં શા માટે વરસાદ જ ન પડે ? શા માટે કુદરત આપણી પર જ રુઠે છે ? આવા સામન્ય સવાલો આપણે આપણી જાતને પુછતા નથી , અને જેમ હતાશ થઈએ છીએ તેમ વધુને વધુ ધાર્મિક ક્રિયાકાંડો ને શરણે જઈએ છીએ. મોરબીનાં બધાં ઘરોમાં પ્રવેશતા પહેલા ભુમિપુજન કર્યું હતુ, અને ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ એ દિવસે દોઢસો લગ્નોનું મુહુર્ત નીકળ્યું હતું ! જન્મકુંડળી મેળવીને થતા લગ્નો પણ છ માસમાં તુટી જાય છે !
સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકબુધ્ધિ એ મનુષ્યને મળેલી ઉતમ ભેટ છે.પણ આપણે સ્વેચ્છાએ આપણી વિવેકબુધ્ધિ અને વ્યક્તિતાને ધર્મને ચરણે દઈએ છીએ. ગેલીલીયો અને કોપરનિક્સે પોતાની વિવેકબુધ્ધિ ધર્મને ચરણે ધરી દિધી નહોતી.એમ હોત તો ઔધોગિક ક્રાંતિનો પાયો જ ન મંડાત અને આપણે કોમ્પ્યુટર યુગમાં પ્રવેશ્યા ન હોત. ધર્મ કશુંક પ્રાપ્ત કરવાનું સાધન કે માધ્યમ બની શકે પણ સાધ્ય કદી ન બની શકે.
રામ જન્મભૂમિ અને બાબરી મસ્જીદની ચિંતા અયોધ્યાવાસીઓને નથી, એટલી બહારના લોકોને છે ! જ્યારે આ પ્રશ્ને કેટલાંક શહેરોમાં ધર્મયુધ્ધ ખેલાઈ રહ્યું હતુ ત્યારે અયોધ્યામાં સંપુર્ણ શાંતિ પ્રવર્તતી હતી ! મસ્જીદ અને મંદિરમાં એકસરખો પથ્થર , સિમેન્ટ અને પાણી વપરાય છે...પણ ધર્મના ઠેકેદારો જતે દહાડે મુસલીમ પથ્થર અને હિન્દુ પથ્થરનું નિર્માણ કરશે ! ડોક્ટરને ત્યાં આવતાં દર્દીઓમાં મુસ્લિમ કેંસર અને હિન્દુ કેંસરનું વર્ગીકરણ હોતું નથી ! છતાં આપણે `પારસી મરણ અને `હિન્દુ મરણ ' જેવા લેબલ વડે મરણને ધર્મશુધ્ધ બનાવ્યું છે.
જેમ લસણના પચીસ પચાસ ગાંગડાનો અર્ક કાઢીને `લસોના' નામની એક કેપ્સ્યુલ બજારમાં મુકવામાં આવી, તેમ ધર્મના અને ધર્મગ્રંથોના ઉપદેશોનો અર્ક કાઢીને ભક્તોને આકર્ષક પેકીંગમાં ધરવામાં આવે છે. પાન સાદું અને મસાલાવાળું હોય એમ ધર્મગ્રંથો પણ મસાલાવાળ બહાર પાડે છે અને એ મુજબની એની કિમત નક્કી થાય છે. `ઇંસટંટ કોફી' ની જેમ `ઇંસટંટ ' પુણ્ય મેળવવા પડાપડી થાય છે. કોમ્પ્યુટર માણસનું ભાવિ ભાંખી આપે છે.ધર્મ આપણને `ફાસ્ટ ફોર્વર્ડ ' ની સગવડ આપવાનો દાવો કરે છે, પણ વાસ્તવમાં એ આપણા વ્યક્તિત્વને સતત `રિવાઇંડ' કરે છે અને પછી ` સુપર સ્ટીલ ' ની પોઝીશનમાં મુકી દે છે ચિત્ર આગળ પણ ન વધે અને પાછળ પણ ન જાય.
લોકો આવકવેરામાંથી મુક્તિ મેળવવા માટે ધર્મ સ્થાનોને દાન આપે છે. પૈસા આપીને પુણ્ય ખરીદીને એની પાકી પહોંચ મળે છે ધર્મ ગમે તેવું શક્તિશાળી દુરબીન બનાવે તો પણ એમાં સ્વર્ગ અને નર્ક દેખાવાના નથી ,એને માટે તો પરીકથા અને દંતકથાઓનો આશરો જ લેવો પડે.
રોજના નિત્યક્રમમાં ઘડિયાળના કાંટાની સાથે આપણે ધર્મના ક્રિયાકાંડોનુ પણ સાયુજ્ય રહ્યુ છે.આટલાથી આટલા વાગે પુજા કરવાની . બરાબર આટલા વાગે આરતી ઉતારવાની . ધર્મ અને આધ્યાત્મિકતા એ સમયના ચોકઠામાં ગોઠવવાની વસ્તું છે? અને મનુષ્યના મન અને મગજની સ્વાભાવિક સ્થિતિ સાથે કોઈ જ સંબધ નથી? એ ઓફિસમાં હાજરી આપવા અને સિનેમાના શો શરુ કરવા જેટલી ક્રુત્રિમ ચીજ છે?
ધર્મના નામે આપણે કેટલી મોટી માત્રામાં અધર્મ આચારીએ છીએ?બધાં પાપ ધર્મની શેતરંજીની હેઠળ છુપાઈને પડ્યા છે. આપણે શેતરંજી ઉપરથી બધું સાફસુથરી અને ચળકાટવાળી રહે એની આપણને સતત ચિંતા છે.ધર્મના આવા વરવાં અસ્તિત્વ છતાં સમાજ ટકી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. આપણા સમાજ અને દેશમાં થયેલો આ રક્ત વિકાર છે.જુનાં મળને સાફ કરવા માટે આંતરડા સંપુર્ણ સાફ કરવા પડે છે. બૌધ્ધિકતારૂપી એનિમા લઈશું તો વૈચારિક સડો દુર શકીશું.
વિધી ધર્મ અને આચાર ધર્મ એમ ધર્મના પ્રકારમાથી આપણે આચારધર્મ અપનાવવો જોઇએ . દરેક ધર્મમાં કેટલાક પાયાના સિધ્ધાંતો એવાં હોય છે જે સાર્વત્રિક છે.એવા સિધ્ધાંતો તારવીને મનુષ્ય એના ઉપર અમલ કરતો થાય તો એ ઉત્તમ વ્યવસ્થા કહેવાય .આપણે અત્યારની તાતી જરૂરિયાત માનવધર્મની છે. મનુષ્યને જે ધારણ કરે તે સાચો ધર્મ. ક્રિયાકાંડમાંથી બહાર આવીને જે સાચો મનવધર્મ અપનાવે તે જ ઉતમ માનવ મોરારીબાપુએ હમણાં બારડોલીમાં જાણીતા વિચારક રમણ પાઠકના સુચનથી પ્રેરાઈને એક નવા પ્રકારની કથા કરી. આ કથાના ત્રણ કરોડ રૂપિયા એમણે જાજરૂ બનાવવા ભેંટ આપી દેધા છે. આમ કરીને એમણે ઉત્તમ દ્રષ્ટાંત પુરૂં પાડ્યું છે. આશા રાખીએ કે બીજા સંતો પણ એમનું અનુકરણ કરે.
પૂર્ણ

No comments: