Wednesday, September 13, 2006

પ્રાર્થનામાં અદભુત બળ છે

સામાન્ય રીતે પ્રત્યેક જૈન-ધર્મી દરરોજ મંદિરમાં જઈ ભગવાનની સ્તુતી-પ્રાર્થના કરતો હોય છે.શાસ્ત્રોમાં શાંતિ,સ્વસ્થતા અને આત્મ કલ્યાણ સાધવાનુ શ્રેષ્ઠ સાધન ભક્તિને ગણાવી છે.પ્રજ્ઞાવંત આચાર્યોએ ભક્તિના નવ પ્રકારો કહ્યા છે.

'' શ્રવણ કીર્તન,ચિંતવન,વંદન,સેવન,ધ્યાન /
લઘુતા સમતા એકતા,નવધા ભક્તિ પ્રમાણ //

આ નવ પ્રકારોમાં લઘુતા-દાસત્વ નામનો જે પ્રકાર બતાવ્યો છે તે પ્રાર્થના છે, સ્તુતિ છે. પ્રાર્થના ના શબ્દોમાં ભક્ત પ્રભુની મહાનતા અને પોતાની પામરતાનું ગાન કરતો હોય છે. સાચી સાધનાનો માર્ગ દીર્ઘ અને વિકટ છે. આવી સાધનામાં જ્યારે નિરાશા -હતાશા સાંપડે ત્યારે ‘પ્રાર્થના સાધકને પરમ ઉપકારી નીવડે છે. ઊંઘવાથી માણસને ઉત્સાહ અને આરામ મળે છે , પ્રાર્થના થી મનને આરામ અને ઉત્સાહ મળે છે , ભોજનથી શરીરને પોષણ મળે છે જ્યારે પ્રાર્થનાથી મનને પોષણ મળે છે . નહાવાથી શરીર સાફ થાય છે જ્યારે પ્રાર્થનાથી મન ચોખ્ખું થાય છે .આ રીતે પહેલાં ત્રણથી શરીરને ફાયદો થાય છે અને પ્રાર્થનાથી મનને ફાયદો થાય છે .
જેમ પરીક્ષાની તૈયારી પરીક્ષા પહેલાં કરવી પડે, લડાઇની તાલીમ લડાઇ પહેલાં લેવી પડે, તેમ પ્રાર્થના કરવાની લાયકાત પ્રાર્થના પહેલાં કેળવવી જોઈએ. પ્રાર્થના એ જીવન સાથે સંકળાયેલી છે. પ્રત્યેક જીવન કંઈને કંઈ ખામીઓ, નબળાઈઓ,દુષણો ,કલંકોથી ખરડાયેલું હોય છે. એટલે પ્રાર્થના સુધારવી હોય તો પહેલાં જીવન સુધારવું જોઈએ. જીવનમાં શાંતિ ન હોય તો પ્રાર્થનામાં શાંતી ક્યાંથી આવે? જીવનમાં સંયમ ન હોય તો પ્રાર્થનામાં ધ્યાન ક્યાંથી આવે ? જીવનમાં વિલાસ હોય તો પ્રાર્થનામાં વિજય ક્યાંથી મળે ?
અહમને ત્યજી , માત્ર મોક્ષની અભિલાષાથી પ્રેરાઈને હ્રદયના ઊંડાણમાંથી પ્રાર્થના કરવામાં આવે તો પરમાત્મા , તે પ્રાર્થના અવશ્ય સંભળે છે. આ માટેનું પ્રસિધ્ધ ઉદાહરણ શબરી છે. શબરીની પ્રાર્થના મોડે મોડે પણ પ્રભુએ સાંભળી અને શ્રીરામ તેમની ઝુંપડીએ પધાર્યા. દ્રૌપદી પણ રાજ્યસભામાં જ્યારે સર્વથા અસહાય બની અને ભગવાનનું શરણુ લીધું ત્યારે તેના ચીર પુરાયાં. નરસિંહ મહેતા, ભક્ત પ્રહલાદ, મીરાં વગેરે ભક્તોની પ્રાર્થના પ્રભુએ અવશ્ય સાંભળી છે. પ્રાર્થનામાં અદભુત બળ રહેલું છે. સતી સાવિત્રીની પ્રાર્થના સાંભળી યમરાજ પણ પીગળી ગયા હત. નરસિંહની પ્રાર્થના સાંભળીને શ્રીકૃષ્ણે કુંવરબાઈનું મામેરું કર્યુ હતું. ખુદાની બંદગી કરીને તેના પુત્ર-હુમાયુ ની જીંદગી બચાવી શક્યો હતો. આમ પ્રાર્થના તો નવજીવનની સંજીવની છે. થાકેલાઓનો વિસામો અને હતાશાની આશા છે. પ્રાર્થના પાવનકારી કલ્યાણકારી છે. જીવને ઉમદા બનાવવા માટે પ્રાર્થના શ્રેષ્ઠ ઔષધ છે. સામુહિક પ્રાર્થના દ્વારા અનેક મુશ્કેલીઓ સામે ટકવાની જબરદસ્ત નૈતિક હિંમત પેદા થાય છે. પ્રાર્થનામાં માણસ નમે છે , ઝુકે છે, પોતાની અલ્પતાનો સાચા મને સ્વિકાર કરે છે તેનાથી પ્રાર્થના મહાન બની જાય છે. ગદ ગદ કંઠે થયેલી પ્રાર્થના મનુષ્યના સમગ્ર ચેતા-તંત્રને કંપાયમાન કરી નાખે છે. આ શુભ પ્રસંગે ઉઠતા સુક્ષ્મ તરંગો ઘણા શક્તિશાળી હોય છે. પ્રાર્થના માનવીને પ્રેમાળ, પરોપકારી, દયાળુ અને નિ:સ્વાર્થી બનાવે છે. મુસલમાનો નમાજ પઢે છે તો ખ્રિસ્તીઓ તેમના ચર્ચમાં મુખ્યત્વે પ્રાર્થનાઓ જ કરતા હોય છે.
આચાર્યો એ શાસ્ત્રોમાં પ્રાર્થના કરનારની ચાર શ્રેણી બતાવી છે (1) અર્થાર્થી (2) આર્ત (3) જિજ્ઞાસુ (4) જ્ઞાની
અર્થાર્થી :- આવી પ્રાર્થના કરનાર ભક્ત નીચી કક્ષાનો ગણવામાં આવે છે. કારણકે આમા ભક્ત નીજી સ્વાર્થ પ્રાર્થના કરતા હોય છે. ભગવાન પાસે કંઈક માગવાની અપેક્ષાએ પ્રાર્થના કરવાથી ઉત્તમ વસ્તુ કદી ન મળે.
આર્ત :- આ ભક્ત નવી સંપત્તિ કે બીજા કોઈ સાંસારિક વૈભવને ઈચ્છતો નથી પરંતુ પ્રાપ્ત ઐશ્વર્યનો વિયોગ સહન કરવાની તેનામાં શક્તિ નથી તેથી તેની રક્ષા અર્થે પ્રાર્થના કરે છે. સાંસારિક બાબતો માંગનાર આર્ત છે.
જિજ્ઞાસુ :- પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટેના જ્ઞાનની પ્રાપ્તીની તેની ઈચ્છા છે માત્ર મોક્ષની અભિલાષા હોય છે આવો ભક્ત ઉચ્ચ કોટીનો ગણાય છે.
જ્ઞાની :- આ સર્વોત્તમ ભક્ત છે. આવા ભક્તો તો કોઈ અપેક્ષાએ પરમાત્મપદ પ્રાપ્ત કરી લીધું હોય છે. તેની ભક્તિરૂપિ પ્રાર્થના અહૈતુકી,નિ:સ્પ્રુહ,નિ:સ્વાર્થ અનન્ય અને પ્રસંશનીય છે.
તો ચાલો આપણે મોક્ષપદની પ્રાપ્તિ અર્થે ,પરમાત્માની પ્રાપ્તિ માટે , આત્મામાંથી પરમાત્મા અને જીવમાંથી શિવ બનવા હ્રદયના ઊંડાણમાંથી , સમ્યક પ્રકારે ,સાચા દિલથી શુભ ભાવે પ્રભુની પ્રાર્થના કરીએ.

No comments: